રાજકોટમાં કોંગ્રેસના બે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમને ગેરલાયક ઠેરવવા રજુઆત
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઊઠી છે. તાજેતરમાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈ ‘આપ’માં જોડાઇ જતા આ બંને સભ્યને પદ છોડવા પાર્ટીએ નોટિસ આપી હતી. જેની મુદ્દત પૂરી થતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ કમિશ્નરને પત્ર પાઠવી બંને સભ્યને હોદ્દા પરથી ગેરલાયક ઠેરવવાની સત્તાવાર માંગણી કરી હતી. હવે મ્યુનિ.કમિશનર નિર્ણય કરે તેની સૌ રાહ જોઈ રહ્યા છે.
રાજકોટના કોંગ્રેસના બે કોર્પોરેટરો તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં કોંગ્રેસે બન્ને કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવા રજુઆત કરવામાં આવી છે. શહેર કોંગ્રેસે મ્યુનિ.કમિશ્નર અને મેયર ઉપરાંત રાજયના મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 2021માં કોંગ્રેસના ચાર કોર્પોરેટર ચૂંટાયા બાદ પક્ષના મેન્ડેટ પર ચૂંટાયેલા વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. તેઓએ પ્રથમ કોર્પોરેટર પદેથી લેખિતમાં રાજીનામું આપ્યા બાદ જ અન્ય પાર્ટીમાં જોડાવવું જોઇએ. જેથી તેઓ સામે ચૂંટણી પંચના કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી થઇ શકે છે. તા.15ના રોજ આ મામલે બંને કોર્પોરેટરને નોટીસ આપી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને ગેરલાયક ઠેરવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સત્તાની રૂએ કમિશ્નરે પણ તેઓને ગેરલાયક ઠેરવવા જોઇએ. મ્યુનિ.કોર્પોરેટર તરીકે તેઓની તમામ સવલતો અને સુવિધાઓ બંધ કરી દેવી જોઇએ તેવો કાયદાનો અભિપ્રાય છે. આ સ્થિતિમાં જો તેઓ પોતે ગેરલાયક ન ઠરે તેવું કહેતા હોય તો જયાં સુધી આ અંગેનો હુકમ સરકારમાંથી ન લાવે ત્યાં સુધી પદની સુવિધા બંધ કરવા પણ કોંગ્રેસે માંગ કરી છે. (file photo)