Site icon Revoi.in

રાજકોટમાં રખડતા ઢોરે બે મહિલા પોલીસને અડફેટમાં લેતા સિવિલમાં દાખલ કરવા પડ્યાં

Social Share

રાજકોટઃ ગુજરાતમાં રાજકોટ સહિત મહાનગરોમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઈકોર્ટએ કડક નિર્દેશ કર્યા છતાં  હજી રખડતા ઢોરના આતંકમાંથી મુક્તિ મળી નથી. રાજકોટ શહેરમાં એક અઠવાડિયામાં રખડતા ઢોરના ત્રાસની બીજી ઘટના બની છે. રાજકોટના મવડી હેડ કવાર્ટરમાં વહેલી સવારે પરેડ પૂર્ણ કરી ઘરે પરત ફરતી મહિલા પોલીસને ગાયે અડફેટે લીધી હતી. આ બનાવમાં કુલ બે મહિલાઓ ઇજાગ્રસ્ત બનતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન શહેરમાં રખડતા ઢોરને પકડવામાં સંપૂર્ણપણે વામણું સાબિત થયું હોય તેવી ઘટના દિન-પ્રતિદિન બની રહી છે. શહેરીજનો છાશવારે પશુઓના આંતકનો ભોગ બની રહ્યા છે પરંતુ હવે પોલીસ તંત્ર પણ ઢોરના ત્રાસથી બાકાત ન હોય તેવી ઘટના આજે રાજકોટમાં બની હતી. જેમાં રખડતી ગાયે બે મહિલા પોલીસને અડફેટે લીધી હતી. તેમાય એક મહિલા પોલીસ તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમના દાંત તૂટી જતા તેઓ રડી પડ્યા હતા.આ ઘટના અંગે મવડી પોલીસના કહેવા મુજબ આજે સવારે 8:30 કલાકે પોલીસકર્મી પૂજા સદાદિયા અને ગાયત્રી દેવમુરારી તથા તેમની સાથે અન્ય બે મહિલા પોલીસ મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પૂર્ણ કરીને ઘરે પરત ફરતા હતા. એ સમયે ગાય આવી હતી અને ગાયત્રીબેનના બાઈક સાથે અથડાઈ હતી અને તેમને અડફેટે લીધા હતા.જેને પગલે બે મહિલા પોલીસ ઘાયલ થયા હતા. તેમાંય ગાયત્રીબેનને હેરલાઇન ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી અને તેમના ચાર-પાંચ દાંત તૂટી ગયા હતા. જેના કારણે પોલીસકર્મીની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. હાલ ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 8 દિવસ પહેલા નિવૃત્ત ફૌજી અને તેની પુત્રીને ગાયએ અડફેટે લીધા હતા ત્યારે મ્યુનિ.એ નક્કર કામગીરી કરવાના દાવા કર્યા હતા. ત્યારે શહેરીજનો આ દાવા અને મ્યુનિની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રસ્તે રઝડતાં પશુઓને ડબ્બે પૂરવામાં મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ નિવડતાં છાશવારે રસ્તે રઝડતી ગાય સહિતના પશુઓ રાહદારીઓને ઢીંકે ચડાવે છે, 8 દિવસ પૂર્વે ભોમેશ્વર વિસ્તારમાં નિવૃત્ત ફૌજી અને તેની પુત્રીને ગાયે ઢીંક મારી પછાડી દીધા હતા, આ મામલામાં અંતે મ્યુનિ.ના વેટરનરી ડોક્ટરે ફરિયાદ નોંધાવતાં ગાંધીગ્રામ પોલીસે ગાયના માલિક સામે ગુંનો નોંધ્યો હતો.ત્યારબાદ મ્યુનિ.દ્વારા  શહેરભરમાં સપ્તાહ દરમિયાન કેટલા ઢોરને પકડવામાં આવ્યા તેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. એક સપ્તાહમાં કુલ 425 પશુઓ પકડવામાં આવ્યા છે. જેમાંથી ભોમેશ્વર વિસ્તારમાં જ મ્યુનિ.એ 18 પશુઓને ડબ્બે પૂર્યાની જાહેર કર્યું હતું. ત્યારે હવે શહેરીજનો એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે જો હુમલો થયા બાદ એ જ વિસ્તારમાંથી આટલા ઢોર મળી આવે તો પશુનો આંતક ક્યારે અટકશે?