રાજકોટઃ શહેરમાં વસતી વધારા સામે પાણીનો વપરાશ પણ વધતો જાય છે. ત્યારે પાણીની માગને પહોંચી વળવા માટે સૌની યોજના હેઠળ નર્મદાના પાણી સમયાંતરે આજી ડેમમાં ઠાલવવામાં આવતા હોય છે. ત્યારે હાલ નર્મદાના નીર આજી-1 ડેમમાં ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ડેમની સપાટી 27 ફૂટે પહોંચી જતા ડેમ 86 ટકા ભરાયો છે અને ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટ છેટુ રહ્યું છે.
સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આજી, ન્યારી અને ભાદર ડેમ સહિતના ડેમોમાં જરૂરિયાત મુજબ ઠાલવવામાં આવે છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે, છેલ્લા બે મહિનામાં વધુ એકવાર રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા આરએમસીની માંગણી અનુસાર આજી-1 ડેમમાં સૌની યોજનાનું નર્મદા નીર ઠાલવવામાં આવી રહ્યું છે. જેના કારણે સપાટી 27 ફૂટે પહોંચી જતા ડેમ 86 ટકા ભરાયો છે અને ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટ છેટુ રહ્યું છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગત તારીખ 27મી નવેમ્બરથી 5 ફેબ્રુઆરી સુધીમાં એટલે કે અંદાજે બે માસમાં આજી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત 994 MCFT પાણી ઠલવાઈ ગયું છે. છેલ્લા બે મહિનામાં આખો આજી ડેમ ભરાઈ જાય તેટલું પાણી જળાશયમાં ઠલવાઈ ગયું છે અને હજુ બે પમ્પ દ્વારા પાણીનું પમ્પીંગ આજીડેમમાં ચાલુ રખાયુ છે. આજી-1 ડેમની સપાટી હાલમાં 27 ફુટે પહોંચી ગઈ છે અને ડેમ છલકાવા આડે હવે માત્ર બે ફુટનું છેટુ રહ્યું છે.
આરએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજી-1 ડેમ હાલ 800 MCFT જથ્થાના સંગ્રહ સાથે 86 ટકા ડેમ ભરાઈ ગયો છે. તેથી આગામી ચોમાસા સુધી રાજકોટનાં લોકોને પાણીની મુશ્કેલીમાંથી રાહત મળશે અને શહેરીજનોને દરરોજ 20 મિનિટ પીવાનું પાણી મળી રહેશે. જોકે નવા ભળેલા વિસ્તારો પૈકીના કેટલાક વિસ્તારોમાં પાણીની લાઇન ન પહોંચી હોવાથી ત્યાં હજુ ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે.