રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા ચોમાસા અને સાનુકૂળ વાતાવરણને કારણે ફરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયુ છે. તમામ માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટનું માર્કેટ યાર્ડ ફરીફ પાકની આવકથી ઊભરાઈ ગયું છે. દિવાળી સમયે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યાં હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડ મગફળી, સોયાબીન, ડુંગળી ઘઉં અને કપાસની ધૂમ આવક થઈ રહી છે.
રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ યાર્ડમાં 5,500 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. ખેડૂતોને કપાસનો 20 કિલોનો 1,300થી 1,577 રૂપિયા ભાવ મળ્યો હતો. કપાસની સાથે સાથે મગફળી, ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી. માર્કેટ યાર્ડમાં શુક્રવારે વહેલી સવારથી જીણી અને જાડી મગફળીની કુલ 6,580 ક્વિન્ટલ આવક થઈ હતી. જેમાં જાડી મગફળીની આવક 2,640 ક્વિન્ટલ થઈ હતી જ્યારે ભાવ 1,125થી 1,412 અને જીણી મગફળીની આવક 3,940 ક્વિન્ટલ થઈ હતી જ્યારે ભાવ 1,150થી 1,450 રૂપિયા મણના બોલાયા હતા. આ ઉપરાંત યાર્ડમાં સોયાબીનની પણ આવક પુષ્કળ પ્રમાણમાં થઈ હતી. સોયાબીનની આવક 2800 ક્વિન્ટલ થઈ હતી. સોયાબીનનો ભાવ 900થી 1,000 રૂપિયા મણનો બોલાયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ યાર્ડમાં 2450 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક માર્કેટ યાર્ડમાં થઈ છે.જ્યારે ટુકડા ઘઉંના ભાવ 528થી 624 રૂપિયા બોલાયા હતા.જ્યારે લોકવન ઘઉંની આવક 250 ક્વિન્ટલ થઈ છે.જ્યારે લોકવન ઘઉંનો ભાવ 510થી 573 રૂપિયા બોલાયો હતો. માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની સાથે સાથે સુકી ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. સુકી ડુંગળીની આવક 7,500 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો સુકી ડુંગળીનો ભાવ 330થી 661 રૂપિયા મણના બોલાયા હતા.