Site icon Revoi.in

રાજકોટના રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓએ તલવાર સાથે ગરબે રમી

Social Share

રાજકોટઃ રંગીલા રાજકોટમાં તમામ શેરીઓ અને સોસાયટીઓમાં નવરાત્રીનો ઉત્સવ ઊજવાય રહ્યો છે, ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂંમી રહ્યા છે. ત્યારે શહેરના રાજવી પેલેસના વિશાળ મેદાન પર  તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનોએ નવરાસ રમીને  ક્ષત્રિય સમાજના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો હતો. બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઊભાં રહીને અને અશ્વ પર સવાર થઈ કરેલા તલવાર રાસને જોઈને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી થઈ હતી.

ગુજરાતના તમામ નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ નવરાત્રી મહોત્સવ ભારે રંગેચંગે ઊજવાય રહ્યો છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર સાથેના રાસ-ગરબા માતાજીની ભક્તિ સાથે મહિલા શક્તિના દર્શન થાય છે. શહેરના રણજિત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજું અને ત્રીજું નોરતું એમ કુલ બે દિવસ નવરાત્રિની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીજા નોરતે 150 જેટલી બહેનોનું અદભુત શૌર્ય જોવા મળ્યું હતું. કોઈ વિચારી પણ ન શકે એવાં કરતબ દર વર્ષે આ ગરબામાં જોવા મળે છે. મહિલાઓએ બાઈક અને ખુલ્લી જીપ પર અને અશ્વ પર સવાર થઇ તલવાર પકડીને રાસ કર્યો હતો.

રાજવી પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસ રમાય છે. આ વખતે બીજા નોરતા દરમિયાન તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલી ક્ષત્રિય સમાજની બહેનો તલવાર રાસ રમી હતી, જે પૈકી કેટલીક બહેનો બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઈ પ્રથમ વખત તલવાર રાસ રમી હતી તેમજ અશ્વો પર તલવાર સાથે રાસ રમતાં ઉપસ્થિત સૌકોઈને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત બહેનોએ દીવડા, થાળી અને ટિપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો. છેલ્લાં 13 વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભગિની ફાઉન્ડેશન દ્વારા બાઈક પર તલવાર રાસ શીખવવાની ખાસ શિબિર રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજથી ચાર વર્ષ પહેલાં ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્વવિક્રમ પણ સ્થાપ્યો હતો.