Site icon Revoi.in

રાજુલાના રામપરા ગામે ઘરમાં ઘૂંસીને સિંહએ માલધારી પર કર્યો હુમલો,

Social Share

 અમરેલીઃ જિલ્લામાં સૌથી વધુ રાજુલા, સાવરકૂંડલા અને ખાંભા વિસ્તારમાં સિંહ વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકાના રામપરા ગામમાં માલધારી પોતાના વાડામાં સાંજના સમયે ભેંસ દોહી રહ્યા હતા ત્યારે જ ઘૂસી આવેલા સિંહે માલધારી પર હુમલો કરતા અફરતફરી મચી હતી. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સિંહ ભાગ્યો હતો અને વાડાની દીવાલ પર બેસી ગયો હતો. સિંહના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા માલધારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજા બનાવમાં ખાભા તાલુકાના ધૂંધવાણા ગામે 9 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો હતો.

પ્રથમ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, રાજુલાના રામપરા ગામમાં મોડી સાંજે રહેણાંક મકાનમાં શિવાભાઇ માણસુરભાઈ વાઘ પોતાની ભેંસ દોહી રહ્યા હતા. ત્યારે જ સિંહ આવી ચડતા અફરાતફરી મચી હતી. સિંહે માલધારી પર હુમલો કર્યો હતો. આસપાસના લોકોમાં બૂમાબૂમ થતા જ સિંહ ત્યાંથી ભાગ્યો હતો અને વાડાની દીવાલ પર બેસી ગયો હતો. આ અંગે સરપંચ છનાભાઈ વાઘે જણાવ્યું હતું કે, વનમંત્રી આર.એફ.ઓ.સહિત લોકોને ટેલિફોનિક રજૂઆતો કરી છે. અગાઉ પત્ર લખ્યા છે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ સિંહ બે દિવસથી અમારા ગામમાં હતો. એક વ્યકિત પર હુમલો કર્યો છે.

આ અંગે રાજુલા આર.એફ.ઓ.એ જણાવ્યુ હતું કે,  રામપરા ગામમાં શિવાભાઈ નામના માલધારી ભેંસ દોહી રહ્યા હતા ત્યારે સિંહે હુમલો કરતા માલધારી ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સિંહના હુમલાનો બીજો બનાવ ખાંભા તાલુકાના ધુંધવાણા ગામે બન્યો હતો. રામજી મંદિર નજીક એક રહેણાંક મકાનની ઓસરીમા બેઠેલા નવ વર્ષીય બાળક પર સિંહે હુમલો કર્યો હતો. જો કે ગ્રામજનોએ હાકલા પડકારા કરી સિંહને ગામથી દુર ખદેડયો હતો. માજી સરપંચ વિનુભાઇ ચૌહાણ અને તેમનો નવ વર્ષનો પુત્ર કૃપાલ રાત્રે ઓસરીમા બેઠા હતા ત્યારે અચાનક વિજળી ગુલ થઇ હતી. આ દરમિયાન એક સિંહ ત્યાં આવી ચડયો હતો અને કૃપાલ પર હુમલો કરી દીધો હતો.