અમદાવાદઃ ગુજરાતમાં તમામ જિલ્લાઓની આરટીઓ કચેરીઓમાં છેલ્લા ગણા સમયથી સર્વરના ધંધીયાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. સર્વર ક્યારે ચાલુ હોય અને ક્યારે બંધ હોય તે અરજદારોને આરટીઓ કચેરીએ પહોંચ્યા બાદ ખબર પડતી હોય છે. નોકરી-ધંધામાં રજા લઈને લાયસન્સ માટેના ટેસ્ટ માટે અરજદારો જ્યારે આરટીઓ કચેરીએ પહોંચે ત્યારે ખબર પડે કે સર્વર કામ કરતું નથી, ઠપ છે, એટલે અરજદારોને ધરમધક્કો થાય છે. આથી અરજદારોમાં મેન્યુઅલી ડ્રાઈવિંગ ટેસ્ટની માગ ઊઠી છે.
ગુજરાતમાં આમદાવાદ સહિતની આરટીઓ કચેરીઓમાં અવારનવાર સર્વર બંધ રહેવાના કારણે લોકોને ધક્કો ખાવાનો વારો આવે છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં કુલ 39 આરટીઓ છે જેમાંથી 23 આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ સર્વરના આધારે લેવામાં આવે છે જ્યારે 16 આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ મેન્યૂઅલી લેવામાં આવે છે. મેન્યૂઅલી ટેસ્ટમાં આરટીઓના ઈન્સ્પેક્ટર કારમાં બેસી અરજદારની બધી જ મૂવમેન્ટ પર નજર રાખે છે. આ ઉપરાંત સર્વર બંધ થવા જેવો કોઈ પણ કકળાટ હોતો નથી. જેનાથી અરજદારોને ધક્કો ખાવાનો વારો આવતો નથી. જોકે સર્વર આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટમાં સર્વરના કારણે મહિનામા અડધા દિવસ તો સર્વર બંધ હોવાના કારણે લોકોને હેરાનગતિ સહન કરવી પડે છે. જેના કારણે લોકોને તો ધક્કો પડે જ છે અને આરટીઓ કચેરીમાં પણ કામનું ભારણ વધવાના કારણે મુશ્કેલી સર્જાય છે. નવસારી, જામનગર, મોડાસા, ગોધરા, આણંદ, મોરબી સહિત કુલ 16 આરટીઓમાં મેન્યૂઅલ રીતે ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. અમદાવાદ સહિત 23 આરટીઓ કચેરી જેમાં સર્વર આધારિત ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવે છે ત્યાં સર્વર ડાઉન થવાની ફરિયાદો આવે છે.
સૂત્રોના કહેવા મુજબ એક-બે મહિના પહેલા પણ સર્વરના અપટેડ માટે પખવાડિયા સુધી ડ્રાઈવિગ ટેસ્ટનું કામકાજ બંધ કરાયું હતું. અરજદારો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવીને આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવે ત્યારે ખબર પડે છે. કે સર્વર બંધ છે. ત્યાર બાદ નવી તારીખ આપવામાં આવે છે.