સાળંગપુરમાં કષ્ટભંજનદેવને કેસુડાના ફુલોનો દિવ્ય શણગાર, ધાણી-ખજૂર દાળીયાનો અન્નકૂટ ધરાવાયો
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરમાં દાદાને આજે શનિવાર નિમિત્તે કેસુડાના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત દાદાને ધાણી-ખજૂર દાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે શનિવાર હોવાથી અનેક ભાવિકો દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ તાબાના સાળંગપુરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરમાં હનુમાનજી દાદાને કેસુડાના ફુલના વાઘા તેમજ સિંહાસનને કેસુડાના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે શનિવાર હોવાથી દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. યાત્રિકો માટે મંદિર દ્વારા ઉતારા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધાણી-ખજૂર દાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ મંદિરના પટાંગણમાં આજે મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામા આવ્યું છે. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.