બોટાદઃ સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જ્યંતીએ દાદાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુંઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના આગમનને લીધે સાળંગપુર કષ્ટભંજન મંદિર દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. રાજ્યના સૌથી મોટા હાઈટેક શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનો શાહના હસ્તે આજથી પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે શાહની સાથે પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય ભોજનાલય 7 વીઘામાં પથરાયેલું છે. જેમાં એકસાથે 8 હજાર ભક્તો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ કરાયું હતું. 54 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આકર્ષક રોશનથી સાળંગપુર ધામ ઝળહળ્યું હતું. રંગબેરંગી રોશની સાથે અદભૂત નજારો જોવા મળ્યો હતો. આજે હનુમાન જ્યંતીના દિને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં દાદાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.અને તેમની સાથે જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ અને જય શાહે કષ્ટભંજનની પૂજા-અર્ચના કરી હતી. અમિત શાહની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરાયો હતો. હનુમાન જંયતી નિમિતે શ્રી કષ્ભંજન દેવ સાંળગપુર ખાતે મોટી સંખ્યામાં ભાવિકોનું મહેરામણ ઉમટ્યું હતુ. મોડીરાતથી જ ભક્તોએ દાદાના દર્શન માટે લાંબી લાઈનો લગાવી હતી. કષ્ટભંજન મંદિરના પરિસરમાં જ દાદાની કિંગ ઓફ સાંળગપુરની મૂર્તીનું ગઈકાલે અનાવરણ થઈ ગયા બાદ આજે વહેલી સવારથી જ અહીં આવતા શ્રદ્ધાળુંઓ દાદાની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા હતા. આજે દાદાને 6.50 કરોડના સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરાયો હતો.
હનુમાન જયંતીના પાવન પર્વ નિમિતે વડતાલધામનાં પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે કષ્ટભંજન દેવની મૂર્તિની પૂજા વિધી કરી હતી. સાથે ભગવાન સ્વામિનારાયણની છબિની પણ પુજા કરી હતી. હનુમાનજયંતિના પાવન અવસર પર આજે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ઘામમાં વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ ઉમટી હતી. દાદાના શણગારથી લઈને તેમની એક ઝલક મેળવવા માટે શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી સાળંગપુર ધામમાં વર્ષોથી ભક્તોને ભોજન પ્રસાદીનો લાભ મળી રહે છે. ધીરે ધીરે અહીં આવતા શ્રદ્ધાળુંઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો હોવાથી અહીં ભવ્ય ભોજનાલયનું નિર્માણ કરાયું છે. 55 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ભવ્ય ભોજનાલયનું લોકાર્પણ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હસ્તે કરાયું હતુ. ભોજનાલયમાં હાઈટેક મેગા કિચન પણ તૈયાર કરાયું છે. જેમાં માત્ર 20 મિનિટમાં જ હજ્જારો કિલો દાળ, ભાતથી લઈને શાક પણ તૈયાર થઈ જશે.