Site icon Revoi.in

દહેગામના સલકી ગામમાં કપિરાજે 10 વર્ષના બાળક પર હુમલો કરીને બચકા ભરતા બાળકનું મોત

Social Share

દહેગામઃ તાલુકાના સલકી ગામે એક તોફાની બનેલા વાનરે 10 વર્ષના બાળક પર હુમલો કરીને બચકા ભરતા ગંભીર ઈજાઓ થવાથી બાળકનું મોત નિપજ્યું હતું. બાળક તેના મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે અચાનક વાનરે ભાળક પર હુમલો કર્યો હતો. આ બનાવથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

આ ઊનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દહેગામ તાલુકાના સલકી ગામમાં બપોરના સમયે મિત્રો સાથે મંદિર નજીક રમી રહેલા 10 વર્ષીય બાળક ઉપર કપિરાજે અચાનક હૂમલો કર્યો હતો. પેટના ભાગે બચકું ભરી લેતાં આંતરડાંનાં ભાગે ગંભીર ઈજાઓ થવાથી બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. આ બનાવના પગલે દહેગામ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. જ્યારે કપિરાજ અન્ય કોઈ ઉપર હૂમલો કરે નહીં એ માટે વન તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના સલકી ગામમાં સોમવારે બપોરના સમયે દુઃખદ ઘટના ઘટી હતી. ગામના મંદિર આગળ બાળકો રમી રહ્યા હતા. એ વખતે અચાનક એક કપિરાજ આવી ચડયો હતો અને 10 વર્ષીય બાળકને પેટના ભાગે બચકું ભરી લીધું હતું. આ ઘટનાથી અન્ય બાળકોએ બુમાબુમ કરી મૂકતા ગ્રામજનો દોડી આવ્યાં હતા. બાદમાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકને દહેગામ સારવાર અર્થે લઈ જવાયો હતો. જો કે, એ પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હતું. દિવાળીના તહેવારો દરમ્યાન એકના એક પુત્રનું મોત થતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. જયારે ગામમાં પણ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ સલકી ગામમાં રહેતા મહેશભાઈ ઠાકરનો 10 વર્ષીય પુત્ર દિપક ધોરણ – 5 માં અભ્યાસ કરતો હતો. સોમવારે  બપોરના સમયે મંદિર નજીક દિપક તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. આ દરમ્યાન એક કપિરાજ અચાનક બાળકોની નજીક આવી ચડયો હતો અને બાળકો કઈ સમજે એ પહેલાં જ દિપકને પેટના ભાગે બચકું ભરી લીધું હતું. જેનાં કારણે દિપકનાં આંતરડાંને ગંભીર નુકસાન થયું હતું. અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. આ બનાવથી ગભરાઈ ગયેલા બાળકોએ બુમાબુમ કરી મુકતા દિપકના પિતા સહિતના ગ્રામજનો દોડી આવ્યાં હતા. બાદમાં ગંભીર હાલતમાં દિપકને દહેગામ સારવાર અર્થે લઈ જવાયો હતો. જો કે, એ પહેલાં જ દિપકનું મોત નીપજ્યું હતું. શ્રમજીવી ખેત મજુર મહેશભાઈને એક દીકરી અને એક દિકરો હતો. એકના એક દીકરાના મોતથી પરિવાર ભાંગી પડ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)