સંતરામપુરમાં ભાજપના નેતાના પૂત્રએ બુથ કેપ્ચર કરીને તેનો વિડિયો વાયરલ કરવો ભારે પડ્યો
સંતરામપુરઃ ગુજરાતમાં મંગળવારે લોકસભાની ચૂંટણી દરમિયાન સંતરામપુર તાલુકામાં પરથમપુર ગામમાં આવેલા બૂથમાં ભાજપના નેતાનો પૂત્ર વિજય ભાભોર ઘૂસી ગયો હતો. અને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. તેમજ ઘટનાનો મોબાઈલમાં વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે બેની અટકાયત કરી છે. જ્યારે ચૂંટણી પંચે આ મામલે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.
ગુજરાતમાં મંગળવારે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું, પરંતું શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરીંગની ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. ઉપરથી તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી.
ગુજરાતની 25 લોકસભા બેઠક તેમજ 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ગઈકાલે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થઈ ગયું છે. જો કે આજે દાહોદ લોકસભા બેઠક પરથી ભાજપ નેતાના પુત્રનો બૂથ કેપ્ચર કરતો વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું હતુ. આ મામલે પોલીસે બેની અટકાયત કરી છે. જ્યારે ચૂંટણી પંચે આ મામલે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. આ અંગે સંતરામપુરના ડીવાયએસપી વિવેક ભેડાએ જણાવ્યું કે, મંગળવારે રાતથી એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં વિજય ભાભોર નામનો શખ્સ સંતરામપુરના 220 નંબરના મતદાન મથક પર મોબાઈલ સાથે જાય છે. જ્યાં તે અશબ્દો બોલીને EVM સાથે ચેડા કરી રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે, કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ પોતે મતદાન કરી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે સંતરામપુરના મામલતદાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે વિજયભાઇ રમેશભાઇ ભાભોર , મગનભાઇ રામસીંગભાઇ ડામોર (બંને રહે.પરથમપુર તા.સંતરામપુર જી.મહીસાગર) વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ ધારો -1951ની કલમ-128, 130(1)(B), 131, 132(3), 135(A)(B) તથા IPC કલમ-171 (F), 114 188 મુજબ ફરીયાદ આપતા ગુનો દાખલ કરી આરોપીને ગણતરીના કલાકોમા આ ગુનામા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે આ મામલાની ગંભીરતાને લઈને કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ સોંપીને રિપોર્ટ મંગાવ્યો છે. જ્યારે પોલીસે વિજય ભાભોર અને મનોજ નામના ઈસમની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.