Site icon Revoi.in

ગીર ગઢડાના સતવાવ ગામે ખેતરોમાં ગેસની પાઈપ લાઈન નાંખવા સામે ખેડુતોએ કર્યો વિરોધ

Social Share

ગીર ગઢડાઃ  ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામેથી પસાર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા LNG કનેક્ટિવિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા ગેસ પાઇપ લાઇન નાખવાના  કામનો ખેડુતોએ વિરોધ કર્યો  હતો.  સનવાવ ગામે કોડીનાર તાલુકાના દેવળી, કડોદરા,સરખડી,આલીદર, બોડવા,જીથલા ગામના ખેડૂતો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા. અને “ જાન દેશું પણ જમીન નહિ” અને “જય જવાન અને જય કિશાન” નારા સાથે વિરોધ કર્યો હતો.

ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામેથી પસાર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા LNG કનેક્ટિવિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા ગેસ પાઇપ લાઇન નાખવાના  કામનો ખેડુતોએ વિરોધ કર્યો  હતો.  ગેસ પાઇપ લાઇન નાખવા ખેડૂતોની મંજુરી વગર જમીન સંપાદન કરી દેવામાં આવી હોય અને ફળદ્રુપ જમીનમાં ગેસ લાઈન નાખવામાં આવતાં જમીન કાયમી માટે બંજર બની જશે. તેમજ જમીન કાયમી માટે સંપાદન થઈ જતાં અવારનવાર તેના ઉપર વાહનવ્યવહાર ચાલશે, જેથી એ જમીન ઉપર કોઈ જાતનું ઉપજ લઈ શકાશે નહીં. ગેસ પાઇપ લાઇન આવવાથી કાયમી માટે  જમીન ઉપર કૂવો કે અન્ય ખોદકામ થઈ શકશે નહિ. એવો સુર ખેડુતોએ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ માંગ કરી હતી કે, ગેસ લાઇનનો રૂટ ફેરબદલ કરવામાં આવે.બંજર જમીન ઉપર કે દરિયાઈ વિસ્તાર પાસેથી આ ગેસ લાઈન પસાર કરવામાં આવે તો ખેડુતોની ફળદ્રુપ જમીનને બંજર થતી અટકાવી શકાય તેમ છે.  નાના ખેડૂતો ની કાયમી રોજીરોટી છીનવાઇ જશે.

ખેડુતોએ જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતને ગુંઠાના માત્ર 7200 રૂપિયા ફાળવીને ક્રૂર મજાક કરી છે. આ વિસ્તારમાં એક વીઘા જમીનનો ભાવ હાલ 7 થી 10 લાખ છે.જ્યારે સરકાર દ્વારા  જમીનની કિંમત માત્ર રૂ.1,15,000 જેવી આકારણી કરીને ચુકવવામાં આવશે જે ખૂબ જ ઓછી છે. ખેડૂતને આ ગેસ લાઈનનો વિરોધ છે,કારણ કે અમુક વિધવા યુવતી અને નાના ખાતેદારની 3 થી 4 વિઘા જમીન ઉપરથી આ ગેસ પાઇપ લાઇન પસાર થાય છે અને એ પરિવારની આજીવિકા છીનવાઇ જશે. આમ ખેડુતોએ હાલ ગાંધી ચિંધ્યા માર્ગે આ અંગે ધરણાં કરીને વિરોધ કર્યો છે અને આગામી દિવસોમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો વિરોધ ઉગ્ર બનાવવામાં આવશે.
સનાવાવ ગામે સ્થળ ઉપર હાજર રહેલા પ્રોજેક્ટના અધિકારીએ  ખેડુતોને જણાવ્યુ હતું કે,  આ ગેસ લાઈન જે તે નક્કી કરેલા રૂટ થી જ પસાર થશે જેમાં કોઈ ફેરફાર શક્ય નથી.આ અંગે ખેડુતો અને પ્રોજેક્ટ અધિકારીઓ વચ્ચે અનેક વાર મીટીંગો કરવામાં આવી છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થળ ઉપર કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગીર ગઢડા પોલિસ સ્ટેશનના પીએસઆઈ ડાંગર અને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.