Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં ભાવનગર પ્રથમ નંબરે, રાજકોટ બીજાક્રમે, બોટાદમાં સૌથી ઓછી વીજચોરી

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દુષણ વધતું જાય છે. ગામેગામ વીજચોરી થતી હોવાથી લાઈનલોસ વધતો જાય છે. તેના લીધે પીજીવીસીએલ દ્વારા જ્યાં લાઈન લોસ વધુ હોય તેવા વિસ્તારોમાં દરોડા પડાવામાં આવતા હોય છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) દ્વારા એપ્રિલથી જુલાઈ દરમિયાન ચાર મહિનામાં કુલ રૂ. 82 કરોડની વીજ ચોરી પકડવામાં આવી છે. છેલ્લા ચાર મહિનામાં કુલ 1,13,719 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવતા કુલ 27,254 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ છે. જેમાં ભાવનગર વર્તુળ કચેરીમાં આ સમયગાળા દરમિયાન કુલ 13,129 વીજ જોડાણો ચેક કરાયા અને તેમાં 3763 વીજ જોડાણોમાં પાવર ચોરી ઝડપાઇ હતી. તેની કુલ આકારણી થયેલી રકમ રૂ.15.08 કરોડ  હતી. જ્યારે રાજકોટ શહેર અને ગ્રામ્ય બન્ને થઇને પણ કુલ રૂ.14.63 કરોડની વીજ ચોરી ઝડપાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર વર્તુળ કચેરીમાં સૌથી વધુ વીજ ચોરીની રકમની આકારણી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા વીજચોરી કરતા આસમીઓ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એપ્રિલ-2023થી જુલાઈ-2023 દરમિયાન ચાર મહિનામાં કુલ રૂ. 82 કરોડની વીજચોરી ઝડપી લેવામાં આવી છે. છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચેકિંગ દરમિયાન કુલ એકાદ લાખ કરતા વધુ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 27 હજારથી વધુ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આ ચેકિંગ દરમિયાન સૌથી વધુ ભાવનગર અને સૌથી ઓછી વીજચોરી બોટાદમાં પકડાઈ હતી.

પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના મળીને કુલ 1,39,719 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 27,254 વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવતા પુરવણી બિલો ફટકારવામાં આવ્યા હતા અને કુલ રૂ. 82.06 કરોડની વીજચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં 21,310 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 2,987 કનેક્શનમાંથી રૂ. 7.38 કરોડ, જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 17,424 કનેક્શનમાંથી 2,880 કનેક્શનમાં ગેરરીતિ સામે આવતા તેમાંથી રૂ. 7.44 કરોડની વસુલાત કરવામાં આવી હતી. જો કે, આ ચેકિંગ દરમિયાન ભાવનગરમાંથી સૌથી વધુ વીજચોરી ઝડપાઇ હતી. ભાવનગરના 13,129 વીજ કનેક્શન ચેક કરતા તેમાંથી 3,763 કનેક્શનમાં ગેરરીતિ મળી હતી. જેને પગલે કુલ રૂ. 15.08 કરોડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે સૌથી ઓછી વીજચોરી બોટાદ પંથકમાંથી મળી હતી. બોટાદમાં 6,309 કનેક્શન ચેક કરતા 1,485 કનેક્શનમાં ગેરરીતી સામે આવી હતી. જેમાંથી રૂ. 3.03 કરોડની વસુલાત કરવામાં આવી હતી.