રાજકોટઃ ચોમાસા દરમિયાન સારા વરસાદને લીધે આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો હતો. અને ખેડુતો પણ સોળઆની પાકનો ઉતારો લઈ શકાશે તેની આશાએ ખૂશ હતા. ત્યાં જ કપાસ અને મગફળીના પાકમાં રોગચાળાએ ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાકમાં કપાસનું 1914300 હેકટરમાં અને મગફળીનું 1258800 હેક્ટરમાં વાવેતર થયું છે. હાલ ભાદરવા માસના તડકાના કારણે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં ઘટાડો થયો છે તેમજ તાપ વધ્યો છે જેના કારણે કપાસમાં પેરાવિલ્ટ (સુકારો) અને મગફળીમાં સફેદ ફુગનું પ્રમાણ વધ્યું છે. તેથી ખેડુતો ચિંતિત બન્યા છે.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઝાલાવાડ તેમજ ગાહિલવાડના કેટલાક વિસ્તારો ઉપરાંત સોરઠ પંથકમાં પણ કપાસ અને મગફળીના પાકમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. ખેડુતો પાકને બચાવવા માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે. ત્યારે ખેતિવાડી વિભાગના કૃષિ તજજ્ઞોના કહેવા મુજબ કપાસમાં નવો સુકારો (પેરાવિલ્ટ) રોગમાં સુકાયેલા છોડના પાન અને જિંડવા છોડ સાથે જોડાયેલા રહે છે. રસવાહિની રંગહીન કે મૂળમાં કોહવારો દેખાતો નથી. જ્યારે છોડ પર વધુ પ્રમાણમાં જિંડવાઓ હોય અને વાતાવરણમાં ઉષ્ણતામાન 35 ડિગ્રી સે. હોય ત્યારે આ પ્રકારના ચિહનો જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે અસરગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવરજવર માટે કાણા પાડવા. સુકારાના નિયંત્રણ માટે ખેતરમાં સુકારાની શરૂઆતના 12 કલાકમાં જ અસર પામેલ છોડની ફરતે 1 ટકા પોટેશિયમ નાઈટ્રેટ અથવા 2 ટકા યુરિયાના દ્રાવણ છોડની ફરતે રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ અન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝિમ દવાનું 10 ગ્રામ પ્રતિ 10 લી. પ્રમાણે છોડની ફરતે રેડવાથી લાભ થશે.
કૃષિ તજજ્ઞોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મગફળીનું 1258800 હેક્ટરમાં વાવેતર થયું છે. મગફળીમાં સુયા બેસવા, ડોડવા બંધાવવા અને પરિપક્વ અવસ્થામાં હોય અને પાનના ટપકામાં નિંદામણ સફેદ ફૂગ જેવી સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે સરકોસ્પોરા ફૂગનો પાનના ટપકાંનો રોગ લાગે નહિ તે માટે ટેબ્યુંકોનાઝોલ 18.3નો 10 મી.લી. 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ, દીવેલામાં મૂળના કોહવારાનો રોગ અટકાવવા માટે ભાદરવા માસમાં ભેજની તંગી અને ગરમી વધુ હોય ત્યારે રાત્રે પિયત આપવું જોઈએ. રોગવાળા છોડને ખેતરમાંથી મૂળ સાથે ઉખાડી નાશ કરવો, ઓલ્ટરનેરિયા બ્લાઇટ અને પાનના ટપકાના રોગની શરૂઆતમાં મેન્કોઝેબ 0.2 ટકા પ્રમાણે 25 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ 15 દિવસના અંતરે કરવા જોઈએ. દિવેલામાં સૂકારો તેમજ મૂળના કોહવારાના નિયંત્રણ માટે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એરંડાના પાકમાં લીંબોળી ખોળ અથવા સેન્દ્રીય ખાતર 500 કિ.ગ્રા./હેકટર સાથે ટ્રાયકોડર્મા હરજિયાનમ (5 કિ.ગ્રા./હેકટર) ચાસમાં આપવાથી દિવેલાના મૂળ ખાઇ રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.