રાજકોટ: સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા છે.અતિવૃષ્ટિ હોય કે દુષ્કાળ બન્ને સ્થિતિમાં સરવાળે ખેડૂત અને ખેતી ફસાઇ જાય છે. અષાઢ મહિનો લગભગ કોરો જતા ખરીફ પાકને જીવંત રાખવા ખેડુતો ચિંતિત બન્યા છે. પાણીના અભાવે સૂકાભઠ્ઠ થતા જતા ખેડૂતો આકાશમાંથી અમીવર્ષા ઇચ્છી રહ્યા છે. મગફળી, કપાસ અને કઠોળના પાકમાં રોગ-જીવાત અને સૂકારો થવા લાગ્યો છે. આઠ દસ દિવસમાં વરસાદ ન પડે તો ગુજરાત ખેતી ક્ષેત્રે બહુ મોટું નુક્સાન કરશે.
વાવાઝોડાં સાથે ચોમાસાની શરુઆત થઇ તેને મોટાંભાગના લોકો અપશુકન માનતા હતા. ખેડૂતોની માન્યતા સાચી ઠરી છે. વરસાદ સાવ અનિયમિત અને ઓછો છે. વાવેતર તો ખેડૂતોએ મન મૂકીને કર્યું છે પણ હવે પિયતની અતિશય ચિંતા છે. પાણીના અભાવે ખેતરોમાં મગફળી, કપાસ, તુવેર અને કઠોળના પાક સૂકાવા લાગ્યા છે. ખેડુકોના કહેવા મુજબ હવે વરસાદ દસેક દિવસમાં પડે તો પણ સ્થિતિ કપરી બની ગઇ છે. પાકમાં ઠેર ઠેર સૂકારો દેખાવાની શરુઆત થઇ છે. મગફળી, કપાસ અને ખાસ કરીને આ વર્ષે વધારે પ્રમાણમાં વવાયેલા સોયાબીનમાં પણ તકલીફ છે. સોયાબીનને પાણીની જરુરિયાત વધારે પ્રમાણમાં છે પણ અત્યારે ખેડૂતો પાસે પાણ નથી., વરસાદ હવે દસેક દિવસમાં થાય તો પણ પાકમાં 20 ટકા જેટલું નુક્સાન ગણીને જ ચાલવું પડે તેમ છે.
ગોંડલ પંથકના ખેડુતોના જણાવ્યા મુજબ ખેતરોમાં કપાસ અને મગફળી સહિતના પાકો લહેરાઇ રહ્યા છે. ખેતર લીલાંછમ્મ દેખાય પણ હવે પાણીની જરુર ઘણી છે. તળમાં પાણી ચડે તેવો વરસાદ થયો નથી અને ખેડૂતો પાસે એકાદ પિયત થાય એટલું જ પાણી છે એટલે મેઘકૃપા ન થાય તો મુશ્કેલી પડશે.
પાકમાં રોગ અંગે તેમણે કહ્યું કે, મગફળીમાં મોલોમશી અને લીલી ઇયળનો ઉપદ્રવ અનેક ખેતરોમાં દેખાય રહ્યો છે. મોલોમશીનો ઉપાય અત્યારે કરવો અત્યંત જરુરી છે. કપાસમાં આગોતરા વાવેતર હોય તો તેમાં ચુસિયા જીવાત પડી ગઇ છે. એ ઉપરાંત ફ્લાવરીંગ સ્ટેજ વખતે ક્યાંક ગુલાબી ઇયળો પણ દેખાય રહી છે. વરસાદના અભાવ વચ્ચે ઇયળો આત્મઘાતી હુમલો પાક પર કરતી હોય છે અત્યારે એવી સ્થિતિ છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પાક ખેતરોમાં સારી સ્થિતિમાં દેખાય છે પણ એમાં થોડું ઝાઝું નુક્સાન શરું થયું છે. વરસાદ ન પડે તો પિયતની સમસ્યા થશે અને પાકની રોનક છીનવાઇ જાય તેમ છે.