રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દુષણ ગામેગામ જોવા મળે છે. વીજલાઈન લોસમાં ધરખમ વધારો થતાં પીજીવીસીએલ દ્વારા પોલીસને સાથે રાખીને વીજચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા આઠ મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 131.87 કરોડની વીજ ચોરી પકડાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. રાજકોટ જિલ્લામાં જ 21 ટકા વીજચોરી પકડાઈ છે. જેમાં 12.50 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ઘણા વર્ષોથી પાવરચોરીનું દૂષણ વધી રહ્યું છે. ત્યારે પીજીવીસીએલએ વીજચોરો સામે ઝૂંબેશ હાથ ધરીને છેલ્લા 8 મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 131.87 કરોડની વીજચોરી પકડાઈ હતી, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે સૌરાષ્ટ્રમાંથી જેટલી વીજચોરી પકડાય છે તેમાંની 21% વીજચોરી એકલા રાજકોટ જિલ્લામાંથી પકડાઈ રહી છે. પીજીવીસીએલએ એપ્રિલથી નવેમ્બર દરમિયાન પકડેલી વીજચોરીના જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે સૌરાષ્ટ્રમાં કુલ 4,29,286 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા. જેમાં 49,988 ગ્રાહકો પાવરચોરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમને 131.78 કરોડના દંડ ફટકારવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં 8 મહિનામાં 54,990 કનેક્શન તપસ્યા જેમાંથી 4799 કનેક્શનમાં ચોરી પકડાઈ અને 12.30 કરોડનો દંડ ફટકાર્યો હતો. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 69,637 કનેક્શનમાં તપાસ કરવામાં આવી જેમાંથી 5591માં ચોરી થતી હોવાનું બહાર આવતા ગ્રામ્યના વીજચોરોને 15.18 કરોડના દંડ ફટકારાયા છે. આમ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજચોરી રાજકોટ જિલ્લામાં થઇ રહી હોવાનું બહાર આવ્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પીજીવીસીએલમાં વિજિલન્સ કામગીરી સુદૃઢ કરવા તથા ડિવિઝનની કામગીરીઓમાં સુધારો કરી થતી નુકસાની દૂર કરવા બાબતે સેમિનાર મેનેજિંગ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ સેમિનારમાં હાઈલોસ વાળા વિસ્તારો-ગામોમાં તથા કોમર્સિયલ ઇન્ડસ્ટ્રિયલ / વીજ જોડાણોમાં વધુમાં વધુ વીજ ચોરી ઝડપવા માટે નક્કી કરાયું હતું. જેથી કુલ 12 ગ્રૂપ બનાવી અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને વિવિધ જગ્યાએ ચેકિંગ કરાયું હતું.