રાજકોટઃ ગુજરાતમાં ગરીબોની સંખ્યા ઘટાડવા માટે ગરીબોના રેશનકાર્ડની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ગરીબ પરિવારો કોઈ કારણસર સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જઈ શક્યા ન હોય એવા પરિવારોના રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે. આવા પરિવારોની સંખ્યા 1.61 લાખ છે. એટલે કે દોઢ લાખથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે. તેથી ગરીબ પરિવારોને રેશનકાર્ડ પર અનાજ મશતુ નથી. ગરબ પરિવારો રેશનકાર્ડ સાયલન્ટ ઝોનમાંથી મુક્ત કરાવવા માટે સંબંધિત કચેરીઓના પગથિયા ધસી રહ્યા છે. પરંતુ નિંભર તંત્રને ગરીબ પરિવારોની કોઈ દરકાર નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને દર મહિને રેશનીંગની દુકાનેથી રાહતદરે આપવામાં આવતો અનાજ-પુરવઠો આપવામાં આવતો હોય છે. કોઈ કારણસર બે ત્રણ મહિના સસ્તાભાવે અનાજનો પુરવઠો લેવા ન જઈ શકાયું હોય તો રેશનકાર્ડ સાયલન્ટ ઝોનમાં મુકી દેવામાં આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છના 1 લાખ 61 હજાર 225 રાશનકાર્ડ ધારકોના રેશનકાર્ડ સાયલન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યાં છે. જેને લીધે ગરીબ પરિવારોને અનાજ-પુરવઠો નહીં મળતા સમસ્યા ઊભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકની કોઈ પણ ખરાઈ કર્યા વગર કાર્ડ બ્લોક કરી નાખવામાં આવ્યા છે. હવે આ કાર્ડ ચાલુ કરવા માટે રાશનકાર્ડ ધારકો જિલ્લા પુરવઠા કચેરી અને ઝોનલ ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે.
પુરવઠા વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ મહિનાથી વધુ સમયથી સસ્તા અનાજની દુકાનેથી પુરવઠો નહીં લેતા કાર્ડ ધારકોના કાર્ડ બ્લોક કરી દેવામાં આવે છે. દિવાળીના તહેવારમાં પણ ગરીબ પરિવારોને રાહતભાવની ખાંડ અને તેલ મળ્યા ન હતા. આ ઉપરાંત દર મહિને મળવાપાત્ર જથ્થો પણ મળી શક્યો ન હતો. આથી ગરીબ પરિવારના તહેવાર બગડ્યા હતા. રેશનકાર્ડ સાયલન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે. જેમાં ભાવનગર જિલ્લામાં 39,089, રાજકોટ જિલ્લમાં 23,434 , જૂનાગઢ જિલ્લામાં 20,237 , સોમનાથ જિલ્લામાં 16,538, અમરેલી જિલ્લામાં 16,092, જામનગર જિલ્લામાં 16,014, કચ્છમાં 14,378, મોરબી જિલ્લામાં 6,892, સુરેન્દ્રનગર જિલ્લામાં 5,117, પોરબંદર જિલ્લામાં 2,372, દ્વારકા જિલ્લામાં 1,062 મળી કૂલ 1,61,225 રેશનકાર્ડ બ્લોક કરાયા છે.