Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં 254 કરોડની વીજળી ચોરી પકડાઈ,

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીચોરીનું દૂષણ વધતું જાય છે. માત્ર ગામડાઓમાં જ નહીં પણ શહેરી વિસ્તારોમાં પણ બે રોકટોક વીજળી ચોરી થતી હોય છે. આથી PGVCL દ્વારા વીજળી ચોરી પકડવા માટે દરોડા પાડવામાં આવતા હોય છે, છેલ્લા દોઢ વર્ષમાં PGVCL દ્વારા રૂપિયા 254 કરોડથી વધુની વીજચોરી પકડી પાડવામાં આવી હતી, જેમાં અંજારમાં સૌથી વધુ વીજચોરીના કેસ પકડાયા હતા. PGVCL દ્વારા વીજચોરોને પકડવા માટે હવે ફુલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજમીટરના GPS મેપિંગથી વીજળીની ચોરી પકડી પાડવાનું પણ આયોજન છે. પાવર ચોરી અટકાવવા PGVCL દ્વારા પણ નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ માટે હવે સમગ્ર પ્રદેશના 59 લાખ વીજ ગ્રાહકોના મીટરનું GPS મેપિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની 90 ટકા કામગીરી પૂરી થઈ જતાં હવે કોઈપણ ગ્રાહક પાવર ચોરી કરશે તો તેની સીધી માહિતી વડી કચેરીને મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી સૂત્રોનું કહેવુ છે.

ગુજરાત સરકારની માલિકીની વીજ કંપની PGVCLના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ લાઈન લોસ વધતો જાય છે. તેથી સમયાંતરે ચેકિંગ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં છેલ્લા દોઢ વર્ષના 254 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે, જેમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં 5,07,632 વીજમીટરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 81,999 વીજમીટરમાં ચોરી થતી હોવાનું સામે આવતા રૂ. 25382.11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે એપ્રિલ 2024થી ઓગસ્ટ 2024 સુધીમાં 1,13,396 વીજમીટર ચેક કરવામાં આવ્યાં હતાં, જેમાંથી 13,636 વીજમીટરમાં ચોરી થતી હોવાનું સામે આવતાં રૂ. 6727.46 લાખનો દંડ ફટકારી આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પાવરલોસ ઘટાડવા માટે તાજેતરમાં PGVCL કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં PGVCL દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરી આગામી દિવસોમાં ચેકિંગ ટીમોને દરોડા અને વીજચોરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરી હાઈલોસવાળા વિસ્તારો, ગામો, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોની અલગ યાદી તૈયાર કરવામાં આવી છે. વીજ કંપની દ્વારા કયા ફીડરમાં કેટલો લોસ અને લોડ છે તેવા ફીડરોની માહિતી એકત્ર કરવામાં આવી છે, જેથી આ પ્રકારના ફીડરમાં લોસ ઘટાડવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શું કરી શકાય એના પર ચર્ચા કરવામાં આવી હતી. વીજ કંપની દ્વારા વીજચોરી પકડવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, PGVCL દ્વારા અગાઉ કચ્છમાં પ્રોજેક્ટ સ્વરૂપે વીજચોરી પકડી પાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમિયાન હવે વધતી જતી વીજચોરી પકડી પાડવા માટે રાજકોટ શહેર, ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રમા ડ્રોનની મદદથી વીજચોરી ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામા આવશે. આ ઉપરાંત જ્યાં સૌથી વધુ વીજ વપરાશ થતો હશે,  ત્યાં ખાસ વીજ ચેકિંગ કરવામા આવશે .