રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ખાસ કરીને અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો પર એક નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ રીતસરના ધરાશાયી થયો છે. અત્યાર સુધી અમરેલી, ધોરાજી, ઊના, પડધરી, મોરબી સહિતની બેઠકો કોંગ્રેસના ગઢ ગણાતાં હતા અને અહીં કોંગ્રેસના જ ઉમેદવારો જીતતા આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે કે પરિવર્તન આવ્યું હોય તેમ તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.
અમરેલી બેઠક ઉપર પરેશ ધાનાણી, ધોરાજી બેઠક ઉપર લલિત વસોયા, ઊના બેઠક પરથી પૂંજા વંશ, પડધરી-ટંકારા બેઠક ઉપર લલિત કગથરાની હાર થઈ છે. બીજી બાજુ સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી સહિતની બેઠકો એવી છે જ્યાં 2017માં ભાજપની માંડ માંડ એન્ટ્રી થઈ શકી હતી ત્યાં અત્યારે ભાજપ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
એકંદરે જોવા જઈએ તો અમરેલી, ધોરાજી, ઉના, પડધરી-ટંકારા સહિતની બેઠકો ઉપર આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ખાસ્સો ફરક પડ્યો છે અને કોંગ્રેસના ગઢ તૂટવામાં આપનો સિંહફાળો દેખાઈ રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો બીજા તો કોંગ્રેસના ઉમેદવારો ત્રીજા ક્રમે ધકેલાઈ ગયા છે. આ સ્થિતિ જોતાં લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે હવેની ગુજરાતની તમામ ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ લડાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. હવે જોવાનું એ રહ્યું કે પરિણામના અંતે કોંગ્રેસના ફાળે કેટલી બેઠક આવે છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કેટલી બેઠક જીતી શકે છે.
સૌરાષ્ટ્રની 48 બેઠક પૈકી 34 બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ નીકળી જતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત વખતે થયેલુ નુકસાન ભાજપે ઘણા પ્રમાણમાં કવર કરી લીધાનું લાગ્યુ છે. આ વખતે ત્રણેક મહિનાથી આમ આદમી પાર્ટીની તૈયારીઓ, કોંગ્રેસના નવા જુસ્સા વચ્ચે ભાજપને મોટા પડકારો મળ્યાનું ચિત્ર હતું પરંતુ શહેરી અને મોટા પ્રમાણમાં ગ્રામ્ય મતદારોને પણ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર ભરોસો છે. તે સાબિત કરી દીધુ છે.