Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ બે હજારે પહોંચ્યા બાદ હવે રોજબરોજ ભાવમાં ઘટાડો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદને કારણે કપાસનું પણ ઉત્પાદન મબલખ થયું છે. બીજીબાજુ કપાસનો ભાવ ખૂબજ સારો મળતો હોવાથી ખેડુતો પણ ખૂશખૂશાલ છે. દિવાળી પૂર્વે ગુજરાતમાં સંકર કપાસના ભાવ મણે રૂ. 2000ની સપાટી જોઇ આવ્યા પછી રૂ. 300-350નો જેટલો ઘટાડો થઇ ગયો છે. હાલ મોટાંભાગના માર્કેટ યાર્ડોમાં એ ગ્રેડના કપાસનો ભાવ રૂ.1650-1625 કરતા ઉંચે બોલાતો નથી. અગાઉ ખૂબ ઝડપથી ભાવવધારો થયા પછી પ્રત્યાઘાતી ઘટાડો ચાલુ થયો છે. રોજ રૂ.25થી 40નો ઘટાડો થઇ રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં કપાસું ઉત્પાદન સારૂએવું થયુ છે. એટલે કપાસની આવક દિવાળી પૂર્વે ચાર લાખ મણ રોજ રહેતી હતી. જોકે હવે રોજની ત્રણ લાખ મણ થઇ ગઇ છે. ભાવ દબાણ હેઠળ આવવાને લીધે કિસાનોની વેચવાલીમાં થોડો ઘટાડો આવ્યો છે. બોટાદમાં આવક અર્ધી થઇ ગઇ છે. ત્યાં રોજ એકથી સવા લાખ મણ કપાસ આવતો હતો. ભાવ પણ સરેરાશ રૂપિયા.1000-1748 નજીક પહોંચી ગયો છે. નબળા અને સારાં બન્ને ક્વોલિટીના કપાસમાં ભાવઘટાડો થયો છે. રૂની ગાંસડીનો ભાવ 2 નવેમ્બરના દિવસે રૂ. 68000 સુધી ખાંડીએ પહોંચ્યો હતો. તેના મંગળવારે રુ. 66000 થઇ ગયા હતા. આમ રૂ. 2000ની મંદી આવી છે.
માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ  કપાસમાં આખી સીઝનમાં થવી જોઇએ એટલી બધી તેજી એક મહિનામાં થઇ  ગઇ એટલે મોટો ઘટાડો અપેક્ષિત જ હતો. બજાર હજુ થોડી ઘટશે. નવી તેજી માટે હવે રાહ જોવી પડશે.  કપાસ ખરીદીને રુ બનાવવામાં ડિસ્પેરીટી હતી એટલે સૌને વધુ તેજી દેખાતી હતી અને બજાર ખેંચતા જતા હતા એટલે ભાવ વધતા ગયા પણ હવે બજાર હાલના સ્તરે ટકે એમ નથી.
એક બ્રોકર જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2 લાખ ગાંસડી જેટલો કપાસ અને રુનો વેપાર ઉભો છે. નોર્થમાં અઢી ત્રણ લાખ ગાંસડીનો લોંગ વેપાર છે. સીઝનના આરંભે ખૂબ તેજી હતી એટલે કુદરતી રીતે જ મંદી થવાની હતી એની શરૂઆત થઇ ગઇ છે. તેમણે મહત્વની વાત ઉપર ભાર મૂકતા કહ્યું કે, બાયર વેંચી રહ્યો હોય અને સેલર ખરીદી  રહ્યો હોય ત્યારે અકુદરતી સિસ્ટમ કહેવાય. તેજીમાં એવું થયું હતુ.    કપાસના એક બ્રોકર કહે છેકે, કપાસના ભાવ હવે થોડાં થોડાં ઘટતા જશે છતાં લઘુત્તમ ટેકાનો ભાવ  રુ. 1205નો છે તે આવશે નહીં એટલે સીસીઆઇને બજારમાં ખરીદી ઝંપલાવવાની નોબત આવે તેવું દેખાતું નથી. ગુજરાતમાં ગયા વર્ષે 90 લાખ ગાંસડી બંધાઇ હતી પણ આ વખતે 95થી 100 લાખ ગાંસડી બંધાય તેવી શક્યતા છે. એકંદરે કપાસના પાકમાં ઉતારા સારા છે. સૌરાષ્ટ્રમાં વીઘે નબળામાં નબળા ગણીએ તો પણ 15 મણ  અને સારાં ખેતરોમાં 30-35 મણ સુધીના ઉતારા મળ્યા છે.