Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ મણના રૂા. 1556માં વેચાતા ખેડુતો ખૂશખૂશાલ

Social Share

રાજકોટઃ રાજ્યમાં ખડુતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની કાયમ ફરિયાદો ઉઠતી હોય છે.પણ આ વખતે કપાસના ભાવ રૂપિયા 1556 મળતા ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. ખરીફ વાવણીનો સમય શરૂ થવા પૂર્વે કપાસનો ભાવ ગુજરાતમાં એક મણે રૂા.1500ની ઐતિહાસિક સપાટી વટાવીને રૂા.1556 સુધી પહોંચી ગયો છે. બે ત્રણ વર્ષ પહેલા કપાસનો ભાવ માંડ રૂા.1200 સુધી સમગ્ર સીઝનમાં પહોંચતો હતો પરંતુ આ વર્ષે આખી સીઝનમાં સરેરાશ ભાવ રૂા.1200નો મળ્યો છે અને હવે રૂા.1500 ઉપરના ભાવથી નોંધપાત્ર સોદા થતા ખેડૂતો હરખાઇ ઉઠયા છે.

માર્કેટયાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતભરમાં કપાસની આવક હવે માંડ 40-45 હજાર મણની થાય છે. બોટાદમાં સૌથી વધારે 11 હજાર મણ કપાસ આવે છે. ત્યાં ઉચ્ચતમ રૂા.1125-1556 સુધીના ભાવથી કામકાજ થયા હતા. બાબરામાં રૂા.1235-1550, અમરેલીમાં રુ.1000-1507, ગોંડલમાં રૂા.1111-1500 અને રાજકોટ યાર્ડમાં રૂા.1300-1530નો ભાવ રહ્યો હતો.  સારાં લંબતારી અને માઇકવાળા કપાસનો ભાવ જ રૂા.1500 કે તેનાથી વધારે બોલાઈ છે. ફરધર કપાસ પણ રૂા.1250-1300ના ભાવથી વેચાય છે.

કપાસના બ્રોકરો કહે છે, હવે કપાસનો સ્ટોક બહુ ઓછો છે. સારો કપાસ સમગ્ર ગુજરાતમાં 100-150 ગાડી કરતા વધારે નહીં હોય. ફરધર અને મિડીયમ માલ થોડો વધારે હશે. ન્યૂયોર્ક વાયદામાં તેજી અને તેની પાછળ સીસીઆઇ દ્વારા રોજ ઉંચા ભાવથી ગાંસડી વેંચવામાં આવી રહી છે. પરિણામે જિનોની નવી ખરીદી સારાં કપાસમાં વધી છે. યાર્ડમાં રૂા.1500-1550માં કપાસ વેચાઈ છે પણ ગામડેથી હજુ ખેડૂતો વેચતા નથી. સંકર રુનો ભાવ તેજીની અસરે રૂા.49300 પ્રતિ ખાંડી પહોંચી ગયો છે. ઉત્તમ ક્વોલિટીની ગાંસડીમાં બે-ત્રણ દિવસથી રૂા.50,000ના ભાવથી પણ સોદા થઇ રહ્યા છે.