Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થીઓએ વિદ્યા સહાયકોની ભરતી માટે જરૂરી સર્ટી મેળવવા લાઈનો લગાવી

Social Share

રાજકોટઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 13000થી વધુ વિદ્યાસહાયકોની ભરતી માટે અરજીઓ મંગાવાતા ટેટ અને ટાટ ઉતિર્ણ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો એકત્ર કરી રહ્યા છે. જેમાં એચએસસીની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ અને સ્નાતક તેમજ અનુસ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર અને ટ્રાયલ સર્ટિફિકેટ સહિત 20થી વધુ ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોવાથી વિદ્યાર્થીઓ દોડધામ કરી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટ્રાયલ સર્ટી.લેવા વિદ્યાર્થીઓની સવારથી લાઈનો જોવા મળી રહી છે.

રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતી અંગે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ધો.1થી 5 અને ધો.6 થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13852 વિદ્યાસહાયકોની ભરતી માટે અરજદારો 16 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જો કે ધોરણ 1 થી 5 અને 6 થી 8ની ભરતી માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારો પાસેથી એચએસસીની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ અને સ્નાતક તેમજ અનુસ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર અને ટ્રાયલ સર્ટિફિકેટ સહિત 20થી વધુ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું જણાવાયું છે ત્યારે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા ઉમેદવારોની વિદ્યા સહાયકની ભરતીને પગલે ટ્રાયલ સર્ટિફિકેટ કઢાવવા માટે વિદ્યાર્થીઓની સવારથી લાઈનો લાગી જાય છે.

વિદ્યાસહાયકોની 13000થી વધુ જગ્યાઓ પર ભરતી કરાશે, જેમાં ધો.1થી 5માં ગુજરાતી માધ્યમમાં 5 હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે. જ્યારે ધો.6થી 8માં ગુજરાતી માધ્યમમાં 7 હજાર જગ્યા પર ભરતી કરવામાં આવશે. જ્યારે ધો.1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે. શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગીની પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ વેબસાઈટ પર મુકવામાં આવી છે. જે ઉમેદવારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અથવા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી સ્નાતક કે અનુસ્નાતક થયા છે તેમણે વિદ્યા સહાયકની ભરતી માટે ટ્રાયલ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. તેથી અન્ય યુનિવર્સિટીઓની જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ટ્રાયલ સર્ટી લેવા વિદ્યાર્થીઓની લાઈનો લાગી જાય છે. ધોરણ 1થી8માં વિદ્યા સહાયકની ભરતી માટેના ફોર્મ હાલ ઓનલાઈન ભરવામાં આવી રહ્યા છે પરંતુ અગાઉની સરખામણીમાં આ વર્ષે ભરતીમાં વય મર્યાદા એક વર્ષ ઘટાડી નાખવામાં આવી છે.