Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ, બીકોમ, સહિત 12 કોર્ષની પરીક્ષા હવે 27મી જુનથી લેવાશે

Social Share

રાજકોટઃ શહેરમાં અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ ફાયર એનઓસી કે બીયુ પરમિશન ન હોય તેવી મિલકતોને સીલ કરવાની ઝૂંબેશ આદરી હતી .જેમાં કેટલીક કોલેજોના મકાનોને પણ સીલ મારી દેવામાં આવ્યા છે.  બીજીબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીએ, બી.કોમ, બીબીએ સહિત 12 જેટલા કોર્ષની પરીક્ષાઓ 20મી જુનથી શરૂ થવાની હતી. ત્યારે કોલેજના સંચાલકોએ ફાયર એનઓસી મેળવી રહ્યા હોવાથી યુનિની પરીક્ષાઓ એક અઠવાડિયુ પાછી ઠેલવા માટે વિનંતી કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોએ પરીક્ષા એક અઠવાડિયું પાછી ઠેલીને હવે બીએ, બી.કોમ સહિત 12 જેટલા કોર્ષની પરીક્ષા 20મી જુનને બદલે 27મી જુનથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કેટલીક કોલેજોને  ફાયર એનઓસીના મુદ્દે મ્યુનિ. દ્વારા સીલ કરવામાં આવી હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 20મી જુનથી લેવાનારી પરીક્ષાઓ પાછી ઠેલવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  20 મી જૂનથી શરૂ થઈ રહેલી પરીક્ષા હવે 27 મી જુનથી શરૂ થશે. જેમાં બીએ, બી કોમ, બીબીએ સહિત 12 કોર્સની પરીક્ષા શરૂ થશે. પરીક્ષા વિભાગે સેમેસ્ટર 2ના સ્નાતકના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો, પરંતુ બાદમાં કોલેજો સીલ થતાં તેમની રજૂઆતો આવી હતી, જેથી પરીક્ષા એક અઠવાડિયું પાછી ઠેલવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાના સેમેસ્ટર-2ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે, જેમાં બીએ એક્સટર્નલ અને રેગ્યુલર, બીએઆઇડી, બી એસ ડબલ્યુ, બીબીએ, બી કોમ એક્સ્ટર્નલ અને રેગ્યુલર, બીસીએ, બી એસ સી આઈ ટી, બીએસસી, બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ, બીએસસી એચએસ, બીએઆઇડી અને બીપીએ એમ 12 કોર્સની પરીક્ષા લેવામાં આવશે. જેમાં પરીક્ષાનો સમયગાળો સવારે 10થી 12 અને બપોરે 2:30થી 4:30 વાગ્યા સુધીનો રહેશે. જે પરીક્ષા એક અઠવાડિયું ચાલશે.