રાજકોટઃ ગત ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને લીધે સિંચાઈ માટેના પાણીની કોઈ મુશ્કેલી ન હોવાથી આ વખતે રવિ સીઝનમાં ખેડુતોએ વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. જેમાં ઘણાબધા ખેડુતોએ ઘઉંનું વાવેતર પણ સારા પ્રમાણમાં કર્યું હતું, ખેડુતોને ઘઉંનું સારા પ્રમાણમાં ઉત્પાદન થશે એવી આશા હતી. ત્યાં જ ઠંડી-ગરમી મિશ્રિત પ્રતિકૂળ વાતાવરણને કારણે ઘઉંના પાકમાં કાળિયા નામના રોગનો ઉપદ્ર્વ જોવા મળી રહ્યો છે. જેના કારણે ઘઉંના ઉત્પાદનમાં ફટકો પડશે.
સૌરાષ્ટ્રમાં હાલ વાતાવરણમાં સમયાંતરે બદલાવ જોવા મળી રહ્યો છે, ક્યારેક અચાનક ઠંડી વધી જાય તો ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. તો ક્યારેક તાપમાનનો પારો ઊંચો જોવા મળે છે. સવારે ઝાંકળ અને ઠંડીનો ચમકારો તો બપોરે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આથી વાતાવરણમાં સતત બદલાવની અસર હવે ઘઉંના પાક પર જોવા મળી છે. હાલ ઘઉંમાં ‘કાળિયા’ નામના રોગે ઉપદ્રવ મચાવ્યો છે. આ રોગથી ઘઉંના છોડ કાળો પડી સુકાઇ જાય છે અને દાણો નબળો પડી જાય છે. આથી ઘઉંની ગુણવત્તા અને ઉત્પાદન પર મોટી અસર પડશે. ખેડૂતોના કહેવા મુજબ વીઘે 50 મણનો ઉતારો આવે તેમ હતો પણ કાળિયા રોગને કારણે માત્ર 15 મણનો જ ઉતારો આવે એવી શક્યતા છે. ખેડૂતોને નફો તો દૂરની વાત પણ વાવેતરનો ખર્ચ પણ નીકળે શકે તેમ નથી.
રાજકોટના ધોરાજી તાલુકામાં ઘઉંના પાકમાં કાળિયા નામનો રોગ જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં થઈ રહેલા વધારાને કારણે ઘઉંના પાકનો ઉતારો વહેલો આવવાની સંભાવના છે. ઘઉંમાં કાળિયા નામનો રોગ જોવા મળી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હજારો રૂપિયાનો ખર્ચ અને તનતોડ મહેનત કરવા છતાં ધારણા કરતાં માત્ર 100માંથી 25 ટકા ઉતારો આવે તેવી શક્યતાને પગલે સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવે અથવા નિકાસ કરવાની છૂટ આપવામાં આવે તેવી માગ ખેડૂતોમાં ઊઠી રહી છે.
સૌરાષ્ટ્રમાં આ વખતે કપાસના પાકનો ભાવ પણ પૂરો મળતો ન હોવાથી ઘણાબધા ખેડૂતોએ કપાસનો પાક કાઢી ઘઉંનું વાવેતર કર્યું હતું. જેમાં મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ખેડૂતોએ ઘઉંનો પાક ઉછેરીને મોટો કર્યો હતો. ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી. પણ તેમની આશા પર કાળિયા રોગે પાણી ફેરવી દીધું છે. આથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ઘઉંના પાકમાં આટલું મોટું નુકસાન થવાથી ખેડૂતોને તો ‘પડ્યા પર પાટું’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. સરકાર દ્વારા નિકાસની છૂટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.