Site icon Revoi.in

સાયલાના સુદામડા ગામે અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે બાખડી પડ્યા, સામસામે ફાયરિંગ, 10 ઘવાયા

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં અંગત અદાવતમાં બે જૂથ બાખડી પડતા  સામસામે હવામાં ફાયરીંગ કર્યા હતા અને ઘરમાં ભરેલી કડબને આગ ચાંપી દીધી હતી. અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતા એસપી સહિત પોલીસ અધિકારીઓ સુદામદા દોડી ગયા હતા. અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા સાયલા તાલુકાના સુદામડા ગામે ગભરુભાઈ સગરામભાઇ મોગલ તથા દેવાયતભાઈ નાગભાઇ ખવડને એકબીજાના ભરડિયા તથા ખાણના રસ્તા બાબતે બોલાચાલી થતાં થયેલા સામાન્ય ઝઘડાએ પળવારમાં વરવું સ્વરૂપ ધારણ કર્યું  હતુ. ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથ વચ્ચે સામસામે ફાયરીંગ કરાતા મામલો તંગ બન્યો હતો. બનાવની જાણ થતા તાત્કાલીક સાયલા પોલીસ તથા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફ તથા જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક દોડી આવીને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કર્યુ હતું. હાલમાં ગામમાં અજંપાભરી શાંતિ છે. જ્યારે આ ઘટનામાં ઇજા થયેલા 10 લોકોને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાયા હતા. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં અજંપાભરી શાંતિ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુદામડા ગામની આસપાસ ક્વોરીઓ આવેલી છે. અને આ વિસ્તારમાં કપચીનો મોટો કારોબાર ચાલી રહ્યો છે. અને કેટલાક માથાભારે શખસો વચ્ચે કાયમ ઝગડાઓ થતા હોય છે. જુની અદાવતમા બે જૂથોએ સામસામે હવામાં ફાયરિંગ કર્યા હતા. અને બાદમાં ઘરમાં ભરેલી કડબ પણ સળગાવવામાં આવી હતી. બે સમાજના જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો. ખનીજના ખાડા બાબતે માથાકૂટ સર્જાયા બાદ મામલો તંગ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલિસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ વચ્ચે સુદામડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. ફાયરિંગ દરમિયાન 10થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી આઠ લોકોને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ટી.બી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.