Site icon Revoi.in

શાળાઓમાં ધો-1માં 7 વર્ષના બાળકને પ્રવેશ, પણ નાના ભૂલકાંઓને બાળવાટિકામાં પ્રવેશ અપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણનીતિનો નવા શૈક્ષણિક વર્ષથી અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણનીતિ મુજબ સાત વર્ષના બાળકને ધોરણ -1માં પ્રવેશ અપાશે. ઘણા બાળકો એવા છે કે, જેમને સાત વર્ષ પૂર્ણ થવામાં બે-ચાર મહિના બાકી રહે છે. આવા ઘણા બાળકોએ જુનિયર કેજી, સિનિયર કેજી પણ પૂર્ણ કરી લીધું છે. આવા બાળકોને 7માં વર્ષમાં પ્રવેશ ન કર્યો હોય તો પણ ધોરણ-1માં પ્રવેશ આપવાની વાલીઓમાંથી માગ ઊઠી હતી. આથી ગુજરાત સરકારે હવે 7 વર્ષથી નાના બાળકો માટે એક નવો તોડ કાઢી લીધો છે. બાળકોને ભણાવવામાં આવશે અને સ્કૂલમાં દાખલ પણ કરાશે પણ આવા બાળકો ધોરણ 1માં નહીં ભણી શકે, પણ બાલવાટિકામાં પ્રવેશ અપાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ધો.1માં પ્રવેશ માટે આગામી શૈક્ષણિક વર્ષથી છ વર્ષ પૂર્ણ થયાનો  નિયમ લાગુ થનાર છે અને 1લી જુને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને ધો.1માં પ્રવેશ નહી મળે. જેને પગલે રાજ્યના અંદાજે 3 લાખ જેટલા બાળકોને અસર થશે. નોટિફિકેશન જાહેર થયા બાદ પણ સ્કૂલો અને વાલીઓએ આ મામલે વિરોધ કરતાં સરકાર ભરાઈ ગઈ હતી.  હવે પાંચથી-છ વર્ષના આ બાળકો માટે પ્રી-પ્રાયમરીમાં ત્રીજુ વર્ષ ઉમેરવાની યોજના ઘડી રહી છે અને ત્રીજા વર્ષ તરીકે આ બાળકોએ ધો.1 પહેલા બાલવાટિકામાં ભણવુ પડશે. સરકારી અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં બાલવાટિકાઓ બનાવાશે. જેને પગલે બાળકોનું ભવિષ્ય પણ નહીં બગડે અને સરકારના નિયમો પણ પાળવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે નવા સત્ર પહેલાં જ નિયમો જાહેર કરી દીધા છે. ગુજરાતમાં સીબીએસઈમાં આ નિયમોને આધારે જ પ્રવેશ અપાય છે. જેને પગલે સરકારે સરકારી સ્કૂલમાં પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 3 લાખ બાળકોને આ નિયમથી સીધી અસર થવાની સંભાવના છે. હવે સવાલ એ પણ છે કે, શિક્ષકોની આટલી બધી ઘટ છે ત્યારે નવા બાળકો માટે બનાવેલી બાલવાટિકામાં કેવી રીતે શિક્ષકો ભણાવશે એ ચર્ચાનો વિષય છે. આ નવા નિયમથી ધો.1માં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટે તેમ હોવાથી શિક્ષકો ફાજલ થવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે ત્યારે ફાજલ શિક્ષકો દ્વારા બાલવાટિકામાં આ બાળકોને ભણાવાશે .

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગત 2020માં નોટિફિકેશન કરીને આરટીઈ એક્ટમાં સુધારા રૂપે ધો.1માં પ્રવેશ માટે છ વર્ષનો નિયમ ફરજીયાત કર્યો છે.જો કે આ નિયમ જુન 2023થી લાગુ થનાર છે. 2020-21, 2021-22, અને 2022-23 એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધો.1માં પ્રવેશ અપાયો છે. સરકાર કોઈ પણ સંજોગોમાં આ નિયમ લાગુ કરવા માગે છે. એટલે જ જુન 2023થી આ નિયમનો ફરજીયાત અમલ કરાશે. ત્યારે હાલ વિવિધ જિલ્લામાં વાલીઓ દ્વારા આ નિયમમાં છુટ આપવા અને આ વર્ષ પુરતુ  1લી જુને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધો.1માં પ્રવેશ આપવાની માંગ કરવામાં આવી છે. જે મામલે છેક શિક્ષણમંત્રી સુધી રજૂઆતો કરાઈ હતી. જો કે નિયમમાં છુટ કે રાહત આપવાની સરકારની કોઈ યોજના નથી. જેથી આ નિયમનો તોડ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે રાજ્ય સરકાર ધો.1 પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.આ નવા નિયમથી અંદાજે 3 લાખથી વધુ બાળકોને અસર થાય તેમ છે કે જેઓને જુનિયર કેજી અને સીનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જુને છ વર્ષ પુરા ન થતા હોય કે છ વર્ષમાં થોડા દિવસો બાકી હોય .હવે સરકારે બાલવાટિકા માટેની ફીના ધોરણથી માંડી પ્રવેશના નિયમો પણ નક્કી કરવા પડશે. જેને પગલે નવી કવાયત શરૂ થશે.