ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, મોટાભાગના જિલ્લાઓ કોરોનામુક્ત બની ગયો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. ધો. 9થી 12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપ્યા બાદ હવે ધોરણ 6થી 8ની સ્કૂલો 2જી સપ્ટેમ્બરથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2જી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી બાદ કોરોનાના કેસો નિયંત્રિત થતાં સરકારે ફરીવાર સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો ગત 18 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે બાળકોને માસ્ક, સેનિટાઈઝર, ઓક્સિમીટર, થર્મલગન દ્વારા ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ સમયે 40ની કેપેસિટીવાળા ક્લાસમાં 10 જ બાળકને બેસાડવામાં આવ્યાં હતાં, પરંતુ માર્ચ મહિના બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી હતી.