ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કાળમાં શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા સરકારે નિયંત્રણો હળવા કરીને ધો.12થી લઈને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપી હતી. બાદમાં ધો. 6થી 11 સુધીના વર્ગોને મંજુરી આપવામાં આવી હતી હવે કોરોનાના કેસ નહીંવત નોંધાઈ રહ્યા છે. જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે ત્યારે ધો. 1થી 5ના વર્ગોને દિવાળી વેકેશન ખૂલતા અથવા 1લી ડિસેમ્બરથી મંજુરી આપવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તમામ જિલ્લાઓમાંથી ધો.1થી 5ની શાળાઓ શરૂ કરવી કેમ તે અંગે અભિપ્રાય મંગાવ્યો હતો. અને તમામ જિલ્લામાંથી ધો. 1થી5ની શાળાઓ શરૂ કરવાની માગ ઊઠી છે. સરકાર પણ શાળાઓ શરૂ કરવા માટે હકારાત્મક છે. જોકે ઓનલાઈન શિક્ષણ શરૂ હોવાથી બાળકોને ભણતરમાં બેક નથી આવ્યો છતાં શાળાએ જઈ ભણતા બાળકોની બાબત લાંબા સમયથી સ્થગિત છે ત્યારે હવે કોરોનાનું સંક્રમણ સાવ તળિયે હોવાથી સરકાર હવે ફરીવાર શાળાના દરવાજા ખોલી નાખવાનું વિચારી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 20 મહિનાથી શાળામાં શિક્ષણ બંધ છે તે હવે દિવાળી વેકેશન બાદ સરકાર હવે ધો.1થી 5ના વર્ગો પણ શરૂ કરવાની તૈયારીમાં છે તેવા સંકેતો મળી રહ્યા છે. કોરોના ગાઈડલાઈનની સાથે લાંબા સમય બાદ ફરી પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. મળતી માહિતી મુજબ સરકાર 21 નવેમ્બર બાદ ધો.1થી 5ના વર્ગો માટે પણ શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની તૈયારીમાં છે. મહત્વનું છે કે, હવે કોરોનાના કેસો ખુબ ઓછા છે તેમજ ડરનો માહોલ નથી ત્યારે પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે ત્યારે 21 નવેમ્બર બાદ શાળાઓ સંપૂર્ણપણે ખુલી જશે તેવી માહિતી મળી રહી છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે હાલ વિચારણા શરૂ જ છે જે માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના સભ્યોના નિર્ણય બાદ વિશેષજ્ઞો-ડોકટરો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ યોગ્ય સમયે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળાઓ ફરી ખોલવાનો તેમણે સંકેત આપ્યો હતો. મહત્વનું છે કે હાલ તો રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ વેકેશન પૂર્ણ થયા બાદ પ્રાથમિક શિક્ષણ ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે તેવું માનવામાં આવી રહ્યું છે. શાળા ખોલવા બાબતે જે કમિટી રચાય છે તેમાં શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતો, ડોકટરો તેમજ બાળ મનોચિકિત્સકોનો સમાવેશ કરાયો છે.