Site icon Revoi.in

સ્કોટલેન્ડમાં PM મોદીનો ફરી એકવાર સંગીતપ્રેમ અને બાળકો પ્રત્યેનો સ્નેહ જોવા મળ્યો

Social Share

ગ્લાસગોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના પ્રવાસના અંતિમ દિવસે ઈંગ્લેન્ડના સ્કોટલેન્ડમાં હતા. અહીં મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત આવવા રવાના થયા તે પૂર્વે તેમણે ભારતીયો સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં તેમને વિદાય આપવા આવેલા ભારતીય નાગરિકો સાથે ડ્રમ પણ વગાડ્યું હતું. ગ્લાસગોમાં વિશ્વ નેતાઓ સાથે સંયુક્ત રાષ્ટ્રના જલવાયુ પરિવર્તન ઉપર શિખર સંમેલન કોપ26ની બેઠકમાં ભાગ લેવા ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોટલથી એરપોર્ટ માટે રવાના થયા ત્યારે અહીં મોટી સંખ્યામાં ભારતીયો ઉમટી પડ્યાં હતા. તેમજ તેમણે ઢોલ-નગારા વગાડીને મોદી… મોદી નામના નારા લગાવ્યાં હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકો પોતાના પારંપરિક ભારતીય વસ્ત્રો અને પાઘડી પહેરીને આવ્યાં હતા. પીએમ મોદી પણ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભારતીયોને મળવાથી પોતાને રોકી શક્યાં ન હતા. તેમજ તેમની પાસે પહોંચીને અનેક લોકો સાથે હાથ મીલાવીને અભિવાદન કર્યું હતું. પીએમ મોદી પણ લોકોના ઉત્સાહમાં સહભાગી થયા હતા અને ભીડમાં સામેલ થઈને ભારતીય પરિવારો સાથે મુલાકાત કરી હતી. એટલું જ બાળકો સાથે વાતચીત કરી હતી. અનેક બાળકોના માથે હાથ ફેરવીને સ્નેહ વરસાવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ડ્રમ વગાડીને મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભારતીયોનો ઉત્સાહ વધાર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જાપાન સહિતના વિદેશ પ્રવાસ દરમિયાન જે તે દેશના પારંપરિક વાંજિંત્ર વગાડતા જોવા મળ્યાં છે. એટલું જ નહીં બાળકો પ્રત્યેનો પ્રેમ અવાર-નવાર સામે આવે છે. અમદાવાદના મુલાકાત દરમિયાન જ્યારે પણ માતાને મળવા જાય ત્યારે આસપાસમાં રહેતા પરિવારના બાળકો સાથે મુલાકાત કરવાનું ચુકતા નથી. એટલું જ નહીં થોડા મહિના અગાઉ જ પીએમ મોદી એક નાના બાળક સાથે રમતા હોવાના ફોટા પણ સામે આવ્યાં હતા. આમ પીએમ મોદીનો સંગીત અને બાળકો પ્રત્યેને પ્રેમ જગજાહેર છે.