Site icon Revoi.in

ગાંધીનગરના સેક્ટર-27માં હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે સ્કુટરચાલકનું મોત

Social Share

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-27માં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહને સ્કુટરને ટક્કર મારતાં સ્કુટરચાલક ગોટીલાલ મદનલાલા શાહને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, ગાંધીનગર શહેરના સેકટર – 27માં  બહ્માકુમારી સોસાયટીના કટ આગળ અજાણ્યા વાહનચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી સ્કૂટરને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત સ્કૂટર ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.દરમિયાન પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગરના વાવોલ નારાયણ નગર સોસાયટીમાં રહેતાં 73 વર્ષીય બદરીપ્રસાદ મદનલાલ શાહ  બપોરના સમયે ઘરે હાજર હતા. એ વખતે તેમના નાના ભાઈ ગોટીલાલ મદનલાલના સાળા રમેશ શાહે ફોન કરીને જાણ કરેલી કે, ગોટીલાલને સેકટર – 27 બહ્માકુમારી સોસાયટીના કટ આગળ અજાણી ગાડીની ટક્કરથી અકસ્માત સર્જાયો છે. જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેનાં પગલે બદરીપ્રસાદ સહિતના પરિવારજનો સિવિલ દોડી ગયા હતા. જ્યાં જાણવા મળેલ કે, ગોટીલાલ ઇલેક્ટ્રિક સ્કૂટર લઈ સેક્ટર – 28 જી. આઈ.ડી.સી માં સામાન લેવા ગયા હતા. અને સામાન લઈ પરત ફરી રહ્યા હતા. તે વખતે સેકટર – 27 બહ્માકુમારી સોસાયટીના કટ આગળ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને ટક્કર મારી નાસી ગયો હતો.આ અકસ્માતમાં ગોટીલાલને માથાના કપાળના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જો કે તેઓનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં સેકટર – 21 પોલીસ સિવિલ પહોંચી ગઈ હતી. અને મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ સહીતની જરૂરી કાર્યવાહી કરી અજાણ્યા ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.