દેશમાં સાત દિવસમાં 32 લાખ સિનિયર સિટિઝનોએ લીધી કરોના વેક્સિન
દિલ્હીઃ દેશમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બાદ હવે 60 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સાત દિવસમાં 32 લાખ વૃદ્ધોએ વેક્સિન લીધી છે. જ્યારે તેના પહેલાં 3 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન લગાવવાનું શરૂ કરી દેવાયું હતું અને 33 દિવસમાં 66 લાખ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને મહાત આપવા માટે દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં બે કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. 70 લાખ આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ ડોઝ અને 35 લાખથી વધારે આરોગ્ય કર્મચારીઓએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો છે. 66.09 લાખ ફ્રન્ટલાઈન વર્કર પૈકી 2.13 લાખે બે-બે ડોઝ લઈને કોર્સ પણ પૂરો કરી લીધો છે. એક માર્ચથી સિનિયર સિટીઝનને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. સાત દિવસમાં 32 લાખ સિનિયર સિટિઝને રસી લીધી છે. આ ઉપરાંત વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના 4.80 લાખ યુવાનોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. દરરોજ દેશમાં 30 હજાર કેન્દ્રો પર વેક્સિન લગાવવામાં આવી રહી છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી દેશમાં સૌથી વધુ રાજસ્થાનમાં 21 લાખથી પણ વધુ લોકોએ વેક્સિન લઈ લીધી છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ 20 લાખથી વધુ લોકો વેક્સિનથી સજ્જ થયા છે.