Site icon Revoi.in

મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા બાદ પડ્યુ માવઠું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમી લોકો ત્રાસી ગયા છે. ત્યારે જુનના બીજા કે ત્રીજા સપ્તાહથી મેધરાજાની વિધિવત પધરામણી થઈ જશે. દરમિયાન મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શનિવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને વિસનગર સહિત કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતુ. કમોસમી વરસાદના ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકો અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી.

ગુજરાતમાંઆગામી દિવસોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી શક્યતાઓ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જૂન મહિનાના પહેલા અઠવાડિયાના અંત ભાગમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યારે શનિવારે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. વિસનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં  સાંજના સમયે એકાએક જોરદાર પવન સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ હતી. ભારે ગરમી બાદ એકાએક વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. છેલ્લા કેટલાય દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ થઈ તોબા પોકારી ઊઠ્યા હતા. જેમાં વિસનગર વાસીઓ પણ ગરમીમાં અકળાયા હતા ત્યારે અચાનક શનિવારે રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.

મહેસાણાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે, સવારથી ગરમી અને બફારા બાદ રાત્રે વરસાદ થયો છે તે વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. મહેસાણાના જોટાણા અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા વરસાદના ઝાપટાં પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં  વરસાદના પાણી ભરાઈ જતા જાણે ચોમાસું શરુ થઈ ગયું હોય તેવું પણ લોકોને લાગ્યું હતું. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં તાપમાનમાં આગામી પાંચ દિવસ કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. (File photo)