- સોમનાથ દાદાને રૂદ્રાક્ષનો શ્રૃંગાર કરાયો,
- પાલખી યાત્રામાં ભાવિકો જોડાયા,
- હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું
વેરાવળઃ શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે. જેમાં ખાસ કરીને સોમવારના દિને ભાવિકો મહાદેવજીના મંદિરે દર્શન માટે ઉમટી પડતા હોય છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિરમાં આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઊમટતાં ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો.
શ્રાવણ મહિનાના આજે બીજા સોમવારે સોમનાથ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખીપૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખીયાત્રામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરતપણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 30 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાનાં દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સોમનાથ મહાદેવનાં ચરણોમાં ભક્તોનો મહાસાગર ઊમટ્યો હતો. શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરી પૂજામાં જોડાયા હતા.
સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર, સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. આ પાલખીયાત્રામાં શિવજીના મુખારવિંદ સાથે પરિસરમાં ફરી હતી ત્યારે જાણે સ્વયં મહાદેવ નગરચર્યામાં નીકળ્યા હોય એવી અનુભૂતિ શિવભક્તો એ કરી હતી. પવિત્ર શ્રાવણ માસના આજે બીજા સોમવારે વહેલી સવારે 4 વાગ્યે મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે લાઈનમાં જોડાઈ ગયા હતા. સૌને સારી રીતે દર્શન થાય એ માટે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, પોલીસતંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને આજે બીજા સોમવારે ભગવાનને વિશેષ રુદ્રાક્ષનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આજે સવારથી જ ધ્વજા પૂજા માટે પણ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.