Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકના પુરતા ભાવ ન મળતા ખેડુતોએ મુખ્યમંત્રીને કરી રજુઆત

Social Share

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી લીધુ છે. પાણીવાળા વિસ્તારોમાં ખેડુતો ડાંગરના પાકનું વધુ વાવેતર કરતા હોય છે. આ વખતે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતા ખેડૂતોએ ડાંગરનું મબલખ ઉત્પાદન કર્યું છે. પરંતુ પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. થોડા સમય પહેલાં 20 કિલો ડાંગરના ભાવ 500 રૂપિયા સુધી ખેડૂતોને મળતો હતો. પરંતુ છેલ્લા 15થી 20 દિવસમાં 450 કરતાં પણ નીચે ભાવ આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેને લઈને ખેડૂતો દ્વારા નિકાસ ડ્યુટી 10 ટકા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને  રજૂઆત કરી છે.

દક્ષિણ ગુજરાતના ખેડુત અગ્રણીઓના કહેવા મુજબ  આ વખતે ડાંગરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતા ખેડુતોને ડાંગરના પાકના પુરતા ભાવ મળી રહે તે માટે નિકાસ ડ્યુટી ઘટાડવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા ડાંગરની નિકાસ પર 10% ને બદલે 20% ટકા ડ્યુટી કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાંથી આફ્રિકન અને અરેબિયન દેશોમાં ડાંગરની નિકાસ થાય છે. સાથે સાથે થાઈલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં પણ નિકાસ કરવામાં આવતી હોય છે. હાલ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકની આવક થઈ છે, ત્યારે નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો ખેડૂતો વધુ પ્રમાણમાં ડાંગર અલગ અલગ દેશોમાં મોકલી શકે. જેથી ખેડુતોને ડાંગરના પાકના સારા ભાવ મળી શકે તેમ છે.

દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીનમાં ગર વર્ષે ડાંગરના પાકનું મબલખ ઉત્પાદન થાય છે. પાણી ઓછું મળે ત્યારે જ ડાંગરના પાક પર તેની અસર થતી હોય છે. આ વર્ષે તમામ કુદરતી પરિસ્થિતિઓ પણ ખેડૂતોની તરફેણમાં રહેતા ડાંગરના પાકનું ઉત્પાદન સારૂએવું થયુ છે. અંદાજે માત્ર દક્ષિણ ગુજરાતમાં 12 લાખ ગુણ ડાંગરના પાકનું ઉત્પાદન થયું છે. ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ઉત્પાદન થતા તેની કિંમત નીચે જઈ રહી છે. ખેડૂતોને ચિંતા છે કે ડાંગરના ભાવમાં પોષણક્ષમ ભાવ તેમને ન મળે તો આર્થિક નુકસાન થશે. સહકારી મંડળીઓમાં ડાંગરના પાકની ગુણોનો ઢગ લાગી ગયા છે. ડાંગરના પાકની વધતી આવકને કારણે હવે ખેડૂતો પણ ભાવને લઈને મુંઝવણમાં મુકાયા છે.