અમદાવાદઃ દક્ષિણ ગુજરાત ઉદ્યોગો માટેનું હબ ગણાય છે. વાપીથી લઈને સુરત, અંકલેશ્વર સુધી અનેક કારખાના, ફેક્ટરીઓ આવેલી છે. અને લાખો શ્રમિકોને રોજગારી પુરી પાડે છે. સુરત શહેર સહિત નાના-મોટા શહેરોમાં કોરોનાના કેસો વધતા જતા હોવાથી ફરીવાર લોકડાઉન લાદવામાં આવશે એવો શ્રમિકોમાં ભય વ્યાપી ગયો હોવાથી ઘણાબધા શ્રમિકોએ વતનની વાટ પકડી છે. મોટાભાગના શ્રમિકો પરપ્રાંત છે. ઘણા શ્રમિકો તો હોળી,ધૂળેટીમાં વતન ગયા હતા એમાં ઘણા શ્રમિકો કોરોનાના ભયને લીધે પરત ફર્યા નથી.
દક્ષિણ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના કારણે શ્રમિકોના હિજરતનાં દૃશ્યો ફરી એક વખત જોવા મળી રહ્યા છે. સુરતમાં કાપડમાર્કેટ સાથે મોટી સંખ્યામાં યુપી, બિહારના કારીગરો અને મજૂર વર્ગ સંકળાયેલો છે. હોળી-ધુળેટીની રજા બાદથી કાપડમાર્કેટ સાથે સંકળાયેલા મજૂર વર્ગમાં વતન વાપસી ચાલી રહી છે. પણ બીજા અનેક મજૂરો વતન ઉપડી ગયા હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આવી સંખ્યા એકાદ લાખ જેવી થાય છે. જે પ્રકારે માર્કેટમાં કોરોના વિસ્ફોટ થયો છે તે જોતાં આગામી મહિના સુધી કારીગરો પરત ફરે તેવી સંભાવના જણાતી નથી. કાપડ બજારમાં કટિંગ ફોલ્ડીગ, પાર્સલ પાકિંગ અને ડિસ્પેચીંગના કામકાજ સાથે સંકળાયેલા કારીગર-મજૂરો વતન ઉપડી ગયા છે. કાપડ માર્કેટ સાથે અંદાજે 3.5 લાખ કારીગરો આ કામકાજમાં વ્યસ્ત છે.
સુરતમાં માર્કેટ વિસ્તારમાં તંત્ર દ્વારા કડકાઇથી ગાઇડ લાઇનનો અમલ શરૂ થયા પછી કારીગર અને મજૂર વર્ગમાં એક પ્રકારનો ડર વ્યાપી ગયો છે. તેને કારણે તેઓ વતન જવાનું શરૂ કર્યું હતું. એમ એક પાર્સલ કોન્ટ્રાકટરે જણાવ્યું હતું. ફરી લોકડાઉનની ભીતિ મજૂર વર્ગમાં જોવા મળી છે. ગત વર્ષ જેવા હાલ ન થાય તે માટે તેઓ અત્યારથી જ જે વાહન મળે તેમાં જઇ રહ્યા છે. જેઓને ટ્રેનમાં ટિકિટ મળી રહી નથી તેઓ ખાનગી વાહનમાં વતન પહોંચી રહ્યા છે. સુરતના પાંડેસરા, સહારા દરવાજા અને સારોલી-બારડોલી રોડથી લક્ઝરી બસો રવાના થઇ રહી છે.