અમદાવાદઃ રાજ્યના નાના-મોટા તમામ શહેરોમાં રખડતા કૂતરાની વસતીમાં ખાસ્સો વધારો થયો છે. સાથે જ કૂતરા કરડવાના બનાવો પણ વધતા જાય છે. શહેરોમાં એવી સ્થિતિ છે કે, વહેલી સવારે કે રાત્રે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કેમ કે, ગમે ત્યારે રખડતાં કૂતરા હુમલો કરી શકે છે. ગુજરાતમાં કૂતરાંઓની સંખ્યામાં વધારાની સાથે કૂતરા કરડવાના કેસમાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં દરરોજ સરેરાશ 400 લોકોને કૂતરા કરડે છે. મહત્વનું છે કૂતરાઓના ખસીકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ બાદ પણ કોઈ જ અસર જોવા મળતી નથી.
અમદાવાદ શહેર સહિત મહાનગરોમાં કરોડોના ખર્ચ બાદ પણ કૂતરાઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદમાં 1.17 લાખ કૂતરાના ખસીકરણ માટે 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતા અમદાવાદમાં કૂતરાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે ખસીકરણ માટે કરોડોના ખર્ચ બાદ પણ કેમ કૂતરાંઓની સંખ્યા વધે છે. ક્યારે શહેરોમાંથી રખડતાં કૂતરાંઓનો આતંક અટકશે. ક્યાં સુધી ખસીકરણની કામગીરી માત્ર કાગળ પર જ રહેશે. ક્યારે થશે યોગ્ય રીતે ખસીકરણની કામગીરી? એવા સવાલો ઊઠી રહ્યા છે.
અમદાવાદ શહેરના સાત ઝોનના ૪૮ વોર્ડના વિવિધ વિસ્તારોમાંથી રોડ ઉપર રખડતા પશુઓને ત્રણ શિફ્ટમાં 21 ટીમની મદદથી પકડવામા આવી રહ્યા હોવાનો મ્યુનિસિપલ તંત્રનો દાવો છે. પરંતું રખડતા કૂતરા પકડવાની કામગીરી જે સંસ્થાઓને સોંપવામા આવી છે એ સંસ્થાઓની કામગીરી પણ નબળી જોવા મળી રહી છે. તંત્રને રખડતા કૂતરાની મળેલી ફરિયાદની સંખ્યા ઉપર નજર દોડાવવામા આવે તો એપ્રિલ મહિનામા460, મે મહિનામા 440, જુન મહિનામા 516 ફરિયાદો વિવિધ વિસ્તારમાંથી મળી હતી. જૂલાઈ મહિનામા 533, ઓગસ્ટમા 476 અને સપ્ટેમ્બરમા 539 ફરિયાદ તંત્રને મળી હતી. ઓકટોબરમા 395 નવેમ્બરમા 492 તેમજ ડીસેમ્બર મહિનામા અત્યાર સુધીમા 235 ફરિયાદો મળી છે. શહેરીજનોને રખડતા કૂતરાની મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.