અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી આજે પણ યથાવત્ રહી હતી. આજે સોમવારે તાપમાન 42 ડિગ્રીને વટાવી ગયું હતું, દરમિયાન ગરમી સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય બફારાનો પણ અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. અમદાવાદમાં હજુ ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીની સાથે સાથે અસહ્ય બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન પણ 40 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. અમદાવાદમાં પારો 42 ડિગ્રીને વટાવી જતાં બપોરે અગનગોળા વરસી રહ્યાં હોય તેવો અહેસાસ થયો હતો. મોડી સાંજે પવન ફૂંકાતા લોકોને થોડી રાહત મળી હતી. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતનું તાપમાન મોટાભાગે ડ્રાય રહેશે અને તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગામી ત્રણ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ માટે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે. બીજી તરફ, જ્યોતિષે રોહિણી નક્ષત્ર જોઇને ચોમાસા અંગે પૂર્વાનુમાન કર્યુ છે. મે મહિનામાં એટલે કે, ચોમાસા પહેલા વાવાઝોડા સક્રિય થતા હોય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા મોચા વાવાઝોડું નબળું પડી ગયુ છે. હવે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.