Site icon Revoi.in

મોરબીમાં પોલીસની ના છતાંયે પ્રતિબંધિત સ્થળે કરાયું ગણેશ વિસર્જન

Social Share

મોરબીઃ શહેરના રવાપર રોડ પર ભાજપના એક આગેવાને ગણપતિજીની સ્થાપના કરી હતી ત્યારબાદ રાત્રે ભાજપ આગેવાન પોતાના સમર્થકો સાથે ગણેશજીના વિસર્જન માટે નીકળ્યા હતા. પરંતુ પ્રતિબંધિત સ્થળે મૂર્તિ વિસર્જનની પોલીસે ના કહેતા રાજકીય આગેવાન ગુસ્સે ભરાયા હતા અને પોલીસને ગાળો ભાંડી હાઇવે ચક્કાજામ કરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સમજાવટ બાદ પણ ભાજપના નેતાએ જીદ પકડતા પોલીસે અંતે આગેવાન સામે ગુનો નોંધ્યો હતો.

મોરબીના રવાપર કેનાલ રોડ પર રહેતા ટંકારા તાલુકા ભાજપના એક નેતા દ્વારા ગણોશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને 22 ફૂટની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. 11 દિવસના મહોત્સવ બાદ સાંજે શોભાયાત્રા રૂપે પ્રતિમાનું વિસર્જન કરવા નીકળ્યા હતા. રાત્રીના 3 વાગ્યાના અરસામાં મચ્છુ-3 ડેમ ખાતે ગણેશજીની પ્રતિમા લઇને પહોંચ્યા હતા અને ત્યાં ગણપતિ વિસર્જન કરવાની કવાયત શરૂ કરી હતી. ઉપરોક્ત સ્થળે ગણેશ વિસર્જન સ્થળને મંજૂરી આપવામાં આવી નહોતી. જેથી પોલીસે નિશ્ચિત સ્થળે પ્રતિમા લઇ જવાનું કહેતા ભાજપના નેતા ઉશ્કેરાયા હતા. અને તેણે પોતાના સમર્થકોને ધાર્મિક મુદ્દે ઉશ્કેરી માહોલ તંગ કર્યો હતો. પોલીસને ગાળો ભાંડવામાં આવી હતી અને એક તબક્કે તો પોલીસને ધક્કે પણ ચડાવવામાં આવી હતી.

પોલીસ પર દબાણ લાવવા ભાજપના નેતા પોતાના સમર્થકો સાથે કચ્છ હાઇવે પર બેસી ગયા હતા. અને વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. રાજકીય નેતાની લુખ્ખાગીરીથી ત્યાં ફસાયેલા વાહનચાલકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. ધાર્મિક કાર્યક્રમમાં પણ પોતાને સર્વેસર્વા બતાવવા માટે કલાકો સુધી પ્રતિમાને રઝળાવી હતી અને અંતે વહેલી સવારે 6 વાગ્યે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દરમિયાન પ્રતિબંધિત સ્થળે વિસર્જન કરનારા ભાજપના નેતા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.