અમદાવાદઃ રાજ્યના એસટી નિગમમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખલી છે. બીજીબાજુ વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ ઘણા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ એસટીના કર્મચારી સંગઠનોએ રજુઆત કરને કર્મચારીઓને પ્રમોશન આપવાની માગ કરી હતી. હવે ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે. એટલે કર્મચારીઓને હંગામી ધોરણે પ્રમોશન આપી શકાય છે. અથવા ચૂંટણી પંચની મંજુરી મેળવીને કાયમી ધોરણે કર્મચારીઓને પ્રમોશન આપવાની માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એસ ટી નિગમના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને હંગામી બઢતી આપવાની માંગણી કર્મચારીઓમાં ઉઠવા પામી છે. જોકે નિગમમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાથી વહિવટી સહિતની કામગીરી ઉપર અસર થઇ રહી છે. ખાતાકિય બઢતીવાળી જગ્યાઓને નિયમિત બઢતીથી ભરવાની માંગણી સાથે ગુજરાત એસ ટી મઝદુર મહાસંઘે રજૂઆત કરી છે. નિગમ દ્વારા તાજેતરમાં જ વર્ગ-1ના અધિકારીઓની સીધી ભરતી કરવામાં આવી હતી. તેમ છતાં અનેક જગ્યાઓ ખાલી રહેતા ત્યાં હંગામી બઢતીથી જગ્યાઓ ભરવાની માગ કરવામાં આવી છે.
એસટીના કર્મચારી સંગઠનોએ પણ માગણી કરી છે કે, સીધી ભરતીના ઉમેદવારો ઉપલબ્ધ થાય નહી ત્યાં સુધીમાં ફરજ ઉપરના કર્મચારીઓને હંગામી બઢતી આપવી જોઈએ. નિગમના વર્ગ-3 અને વર્ગ-4ની કક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને જેઓને ઉપલી કક્ષાની ખાતાકિય પરીક્ષા પાસ કરેલી છે. ઉપરાંત લાયકાત ધરાવતા હોય તેવા કર્મચારીઓને સીધી ભરતીની ખાલી જગ્યાઓ સામે જીએસઓ-503/59ની જોગવાઇ મુજબ હંગામી બઢતી આપવામાં આવે તો કચેરીની કામગીરીમાં સરળતા રહેશે. નિગમના ઉચ્ચ અધિકારીઓને પણ રજુઆત કરી છે.