Site icon Revoi.in

સુરતમાં માસ્ક અને સામાજીક અંતરનું પાલન નહીં કરનારા 5 પોલીસ કર્મચારીઓ દંડાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનારાઓને ઝડપી લેવા માટે રાજ્યભરમાં પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં જ પાંચ પોલીસ કર્મચારીઓ કોરોનાને ભૂલી ગયા હોય માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન નહીં કરતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પાંચેય પોલીસ કર્મચારીઓને કાયદાનું ભાન કરાવીને રૂ. એક-એક હજારનો ફટકાર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારી એચ.આર.મુલીયાણા સ્થળ પર દોડી ગયા હતા. શંકાસ્પદ આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હોવાનું માલુમ પડતા રાતે સચિન પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં પોલીસ કર્મચારીઓ કોરોનાને ભૂલીને માસ્ક વગર અને સમાજીત અંતરનું પાલન નહીં કરતા હોવાનું જોઈને અધિકારી ચોંકી ઉઠ્યાં હતા. પોલીસ સ્ટેશનમાં સામાજીક અંતરનું પાલન નહીં કરવાની સાથે પાંચ પોલીસ કર્મચારીઓ માસ્ક વગર બેઠા હતા. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીએ પાંચેય પોલીસ કર્મચારીઓને ખખડાવ્યાં હતા. તેમજ તેમની પાસે રૂ. એક-એક હજારનો દંડ પણ ભરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન પાંચ પોલીસ કર્મચારીઓ જ કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરતા પકડાતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.