સુરતઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનને હજુ 15થી 20 દિવસ બાકી છે. ત્યારે મેધરાજાએ ઘણા વિસ્તારોમાં પધરામણી કરી દીધી છે. સુરત શહેરમાં ગઈ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવનના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પગલે શહેરમાં કુલ 60 જેટલા ઝાડ પડી ગયા હતા. રાત્રિથી લઈને સવાર સુધી ફાયર વિભાગ દોડતુ રહ્યું હતું. રાંદેર, જહાંગીરપુરા, પાલ, અડાજણમાં પાર્ક કરેલા કેટલાક વાહનો પર ઝાડ પડવાની ઘટના બની હતી.
સુરત શહેરમાં મીની વાવાઝોડાના કારણે ઠેકઠેકાણે ઝાડ પડવાના તેમજ મકાનોના પતરા ઉડવાના બનાવો બન્યા હતા. ખાસ કરીને શહેરના રાંદેર અને કતારગામ ઝોનમાં વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. ગત રાત્રિથી સવાર સુધીમાં ફાયરબ્રિગેડને 60 જેટલા કોલ મળ્યા હતા. ટીમે ઘટના સ્થળે પહોંચી રસ્તા પર પડેલા ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે પવનના કારણે અનેક જગ્યાએ પતરાના શેડના પતરા ઉડવાના બનાવો પણ બન્યા હતા. જોકે આ બનાવોમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. પણ વાહનોને નુકસાન થયું હતું. અડાજણ તથા પાલમાં ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું.
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, ઝાડ પડવાના કોડને લઈને ફાયર વિભાગ દ્વારા ડાળીઓ હટાવવાની કામગીરી શરૂ કરી હતી, જે સવાર સુધી સુધી ચાલી હતી. અડાજણ-પાલમાં ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું. રાંદેર ઝોન ઓફિસની પાછળ ઝાડ પડતા 5 કાર દબાઈ ગઈ હતી. હેતલ એપાર્ટમેન્ટ નજીક ઘટના બની હતી. રાંદેર ફાયર વિભાગના ટીમે ઝાડ કાપી ગાડીઓ બહાર કાઢી હતી. મીની વાવાઝોડાને લઇ શહેરમાં અનેક ઝાડ પડવાની ઘટનાઓ બની હતી. ઝાડ પડવાને કારણે પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું હતું ઉપરાંત શહેરના તારવાડી ખાતે ઝાડ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. ફાયર વિભાગ દ્વારા ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરાયો હતો. વરસાદ પડ્યો ન હતો પરંતુ પવન ખૂબ જોરથી ફૂંકાયો હતો તેના કારણે શહેરભરમાં તેની અસર દેખાઈ હતી. અલગ અલગ વિસ્તારોમાંથી ફાયર વિભાગને ઝાડ ધરાશય થવાના કોલ મળ્યા હતા.