સુરતમાં વિદ્યાર્થી ચાલતા 4 કિ.મી દુર કેન્દ્રમાં પરીક્ષા આપવા જતો હતો, પોલીસે માનવતા દાખવી
સુરતઃ શહેરમાં ટ્રાફિક પોલીસની ઉમદા અને સરાહનીય કામગીરી જોવા મળી છે. એક વિધાર્થીને પરીક્ષા આપવા જવા માટે મોડું થઇ ગયું હતું. રિક્ષા કરીને જવા માટે પૈસા પણ ન હતા. ત્યારે વિદ્યાર્થી નિરાશ મને ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેની વ્યથા જાણી તાત્કાલિક પોતાની બાઈક પર બેસાડી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો.
ગુજરાતમાં આજથી ધો 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. દરમિયાન પહેલા જ દિવસે સુરત ટ્રાફિક પોલીસની એક ઉમદા કામગીરી જોવા મળી હતી . ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓના હિત માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકમાં વિદ્યાર્થીઓ ફસાઈ જાય તો તેઓને પરીક્ષા સેન્ટર પર સમયસર પહોંચાડવાની જવાબદારી લઇ હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે. જેને લઇ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે અને કોઈ અડચણ ન આવે તે માટે સુરતમાં ટ્રાફિક પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. દરમિયાન આજે સરથાણા જકાતનાકા ખાતે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીને ટ્રાફિક પોલીસના કર્મીએ પોતાની બાઈક પર બેસાડી નાના વરાછા સુધી પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સુરત શહેરમાં આજે સરથાણા જકાતનાકા પાસે લોક રક્ષક ઈમ્તિયાઝ નુરાભાઈ ચોકિયા ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે સવારે એક વિદ્યાર્થી સરથાણા જકાતનાકા પાસે નિરાશ મને ચાલતો દેખાયો હતો. જેથી વિદ્યાર્થીને જોતા લોકરક્ષક ઈમ્તિયાઝને તે કોઈક પરીક્ષાર્થી હોવાનું લાગ્યું હતું. જેથી તાત્કાલિક ઇમ્તિયાઝે વિદ્યાર્થી પાસે જઈને તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે પોતાનું નામ માનવ કિશોરભાઈ દવે જણાવ્યું હતું. કહ્યું હતું કે ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહ્યો છું. નાના વરાછા ખાતે આવેલા કૌશલ વિદ્યાલય ખાતે મારું પરીક્ષા કેન્દ્ર છે. જ્યાં હું ચાલતો ચાલતો પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છું. સરથાણા જકાતનાકાથી નાના વરાછા પરીક્ષા કેન્દ્ર અંદાજે ચાર કિલોમીટર દુર હતું અને આ વિદ્યાર્થી ચાલતો જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
સરથાણા જકાતનાકાથી નાના વરાછા સુધીના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા ધોરણ 10નો વિદ્યાર્થી ખૂબ જ મૂંઝવણ અનુભવી રહ્યો હતો. આ મૂંઝવણ જોઈ પોલીસ કર્મીએ વિદ્યાર્થીને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે મારે પરીક્ષા દેવા જવાનું છે અને મોડું થઇ ગયું છે, મારી પાસે કોઈ વાહન કે રિક્ષા કરીને જવા માટે પૈસા પણ નથી. વિદ્યાર્થીની આ વાત સાંભળી પોલીસકર્મી તાત્કાલિક ભાવુક થઈ ગયા હતા. અને એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર પોલીસકર્મીએ તરત જ તેને પોતાની બાઈક પર બેસાડી સરથાણા જકાતનાકા પાસેથી નાના વરાછા ખાતે કૌશલ વિદ્યાલય ખાતેના તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડ્યો હતો. જેને લઇ વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જતા પરીક્ષા આપી શક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોચી શકે તે માટે ટ્રાફિક પોલીસ પણ સજ્જ છે પોલીસના તમામ અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જેની લઈ આજે એક વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યો હતો. ત્યારે પોલીસે કરેલી તૈયારી ખરેખર અર્થમાં સાર્થક થઈ હોવાનો ટ્રાફિક પોલીસને આનંદ થયો હતો.