Site icon Revoi.in

સુરતમાં ચાર્જમાં મુકેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ થતા લાગી આગ, ગેસનો બાટલો ફાટતાં યુવતીનું મોત,

Social Share

સુરતઃ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ વધતા જાય છે. ઓછા ખર્ચે વધુ માઈલેજ આપતા અને પર્યાવરણની દ્રષ્ટીએ પણ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ ફાયદાકારક છે. પરંતુ સુરતમાં ઈ-બાઈકના ચાર્જિગ દરમિયાન બેટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરીને નજીક પડેલા ગેસ ભરેલા સિલિન્ડરને લપેટમાં લેતા સિલિન્ડર ફાટ્યો હતો. આ આગના બનાવમાં 18 વર્ષની યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર જણાં દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે બે ધડાકા થતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. દરમિયાન નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી. જેથી ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બ્લાસ્ટથી એક દીવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ આગમાં પાંચ લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો હતો. જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભડથું થઇ ગઇ હતી. જ્યારે અન્ય ચાર સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

શહેરના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલને આ બનાવની જાણ થતાં તેઓએ ઘટનાસ્થળે અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત કરી હતી. પાટીલે જણાવ્યું હતું કે, પાર્કિંગમાં ઈ-બાઈક ચાર્જિંગ થતું હતું. આખી રાત ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. ઉપરના માળે પરિવાર સૂતો હતો. આગને કારણે ગેસનો બાટલો ફાટ્યો હતો. આથી આગ વિકરાળ બની હતી અને નીચે દુકાનમાં પણ આગ લાગી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ ચોક પાસે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર બે માળના રેસિડન્ટવાળું મકાન આવેલું છે. દુકાનની પાછળ વાડાના ભાગમાં સોસાયટીમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મૂક્યું હતું. જેમાં બ્લાસ્ટથી આગ લાગી હતી અને ત્યાં બાજુમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો.