સુરત : ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં સુરત શહેર આમ તો ભાજપનો ગઢ ગણાય છે. સામે આમ આદમી પાર્ટી પણ ભાજપની સ્ટાઈલમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. બન્ને પક્ષો એકબીજા સામે પ્રહાર કરવાનું છોડતા નથી.ત્યારે ગઈકાલે શહેરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બંને પક્ષોએ સામ સામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતાં ભાજપના કાર્યકરોને ઈજા પહોંચી હતી. યોગીચોક ખાતે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સાથે જ CRPF ની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના સરથાણા યોગીચોક પાસે આ ઘટના બની હતી. જેમાં ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. AAP ગુજરાત દ્વારા કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરાયુ હતું. ત્યારબાદ બબાલ થઈ હતી. બબાલ એટલી હદે વધી કે, સમાસામે પથ્થરમારો કરાયો હતો. જેમાં ગાડીના કાચ પણ તૂટ્યા હતા. પથ્થરમારો થતા કેટલાક ભાજપ કાર્યકર ઘાયલ થયા હતા. યોગીચોક ખાતે માહોલ તંગ થતા પોલીસ કાફલો અને BSF ની ટુકડી પણ આવી પહોંચી હતી. હાલ સમગ્ર મામલો કાબૂમાં લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કામરેજ વિધાનસભાનો મત વિસ્તાર છે. જેમાં ભાજપ તરફથી પ્રફુલ્લ પાનસેરીયાએ ઉમેદવારી કરી છે. તો આપ તરફથી રામ ધડુકે દાવેદારી નોંધાવી છે. આ વિસ્તારમાં પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે. અને પાટિદાર અનામત આંદોલનના મોટાભાગના નેતાઓ આપ સાથે જોડાયેલા છે. તેની આ બેઠક પર ભારે કશ્મકશ ઊભી થઈ છે. પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.