સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સિટીબસના ડ્રાઈવરોને છેલ્લા બે મહિનાથી પગાર ન મળ્યો હોવાથી સોમવારે સિટીબસના ડ્રાઈવરો કામથી વેગળા થઈ જતાં શહેરનો બસ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મ્યુનિ.ના અધિકારીઓની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના સતત આક્ષેપો પણ થતા રહે છે. છેલ્લા બે મહિનાથી સિટી બસના ચાલકોનો પગારથી વંચિત છે. પગાર ન થતા સોમવારે સિટી બસના ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો હતો. અને અંતિમ બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઇવરોએ બસને થંભાવી દેતા બસોની લાંબી કતારો લાગી ગઈ હતી. બાકી પગાર ન મળે ત્યાં સુધી બસ ન હંકારવાની ચીમકી ડ્રાઈવરો દ્વારા ઉચ્ચારવામાં આવતા મ્યુનિ.ના અધિકારીઓ તેમજ કાન્ટ્રાક્ટરો સિટીબસના ચાલકોને મનાવવા લાગી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સિટી બસના ડ્રાઈવરો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. છેલ્લા બે મહિનાથી એમને પગાર ચૂકવવામાં આવ્યો નથી. સોમવારે 23 તારીખ થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી તેમને બે મહિનાનો બાકી પગાર મળ્યો નથી. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે, ત્યારે પોતાના પરિવાર માટે ખરીદી કરવાના રૂપિયા પણ તેમની પાસે નથી. આવી સ્થિતિમાં સતત માત્ર કોન્ટ્રાક્ટરો દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે, અને સમયસર તેમના હાથના પૈસા પણ આપવામાં આવી રહ્યા નથી. જેને લઈને આજે એકાએક જ સિટી બસના ડ્રાઇવરો દ્વારા સચિન સ્ટેશન પાસે એકત્રિત થઈને તે રૂટની બસો ત્યાંજ ઊભી રાખી દીધી હતી. જેને કારણે આખા રૂટનું ટાઈમ ટેબલ ખોરવાઈ ગયું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના ઉધનાથી સચિન રુંટ ઉપર અંતિમ બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઇવરોએ બસને ઊભી રાખી દીધી હતી. અને જ્યાં સુધી બાકી પગાર ન ચૂકવવામાં આવે ત્યાં સુધી તેઓ બસ ચલાવશે નહીં એવી ચીમકી સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરને આપી હતી. આ સમગ્ર બાબતે સુરત મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનરથી લઈને જવાબદાર અધિકારીઓની પણ ભૂમિકા મહત્વની છે. તેમના દ્વારા સિટી બસ પરિવહનમાં યોગ્ય રીતે ધ્યાન અપાઇ રહ્યું નથી. માત્ર મ્યુનિ. ટ્રાન્સપાર્ટની સિટી બસો જ નહીં પણ બીઆરટીએસ રૂટ ઉપર ઘણી ટેકનિકલ ખામીઓ જોવા મળી રહી છે. અને માસ્ટ ટ્રાન્સપોર્ટેશન વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના થઈ રહેલા શોષણ અંગે પણ તેઓ સતત મૌન રહેતા હોય છે.