Site icon Revoi.in

સુરતમાં નવરાત્રી પહેલા જ ચણિયાચોલીના જથ્થાબંધ વેપારીઓને મોટા ઓર્ડર મળવા લાગ્યાં

Social Share

સુરતઃ કોરોના કાળ અને ત્યારબાદ પણ વ્યાપક મંદીનો સામનો કરી રહેલા સુરતના કાપડ ઉદ્યોગમાં છેલ્લા મહિનાથી તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું. તિરંગા ઉત્સવને લીધે પણ કાપડનો કારોબાર વધ્યો હતો .હવે નવરાત્રીના પર્વને લીધે ચણિયા ચોલી તૈયાર કરનારા જથ્થાબંધ વેપારીઓને સારા પ્રમાણમાં ઓર્ડર મળવા લાગ્યા છે. ગુજરાતના તમામા નાના-મોટા શહેરોના વેપારીઓ ચણિયાચોળીના ઓર્ડર બુક કરાવવા વાગ્યા છે.

ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહાત્મ્ય છે. જેમાં શેરી ગરબાનું મહત્વ વધારે છે. અર્વાચીન દાંડિયા રાસની સાથે ખૈલેયાઓ શેરી ગરબામાં પણે ભારે ઉત્સાહથી ભાગ લેતા હોય છે. મા અંબાની આરાધનાના નવ દિવસ દરમિયાન ખૈલેયાઓ ગરબામાં અવનવા પરંપરાગત પોશાક પહેરવાનો આગ્રહ રાખતા હોય છે. નવરાત્રીને હજુ દોઢ મહિનાનો સમય બાકી છે. ત્યારે ચણિયા ચોલીનો મોટો વેપાર કરતા વેપારીઓએ પણ સ્ટોક કરવાની શરૂઆત કરી છે. બીજીબાજુ સુરતના ચણિયા ચોલીના જથ્થાબંધ વેપારીઓને નવરાત્રી પહેલા જ ઓર્ડર મળવા લાગ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે તહેવારોની ઊજવણી પર નિયંત્રણો હતા. પણ આ વર્ષે નવરાત્રીની પૂર્ણતાથી  ઊજવણી થશે. જેને લઇને અત્યારથી ચણીયા ચોલી બનાવતા ફેશન ડિઝાઇનરોએ પણ પોશાકો બનાવવાનું શરૂ કરી દીધું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રક્ષાબંધનથી શરૂ થયેલા તહેવારોના મોસમની વણઝાર આગળ વધી છે. નવરાત્રીને આડે દોઢ મહિનો બાકી છે ત્યારે ચણીયા ચોલી બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે વેપારીઓને સારા ઓર્ડર મળ્યા છે. ખૈલેયાઓ કચ્છી વર્કની માગ કરતા હોય છે. નવી નવી ડિઝાઇનની ઘાઘરા-ચોળી માર્કેટમાં ખેલૈયાઓ માટે તૈયાર કરવામાં આવી છે. વેપારીઓના કહેવા મુજબ આ વખતે 3 પ્રકારની નવી ડિઝાઇનની ચણિયા ચોળી બનાવવા પર કામ શરૂ કર્યું છે. જેમાં રાજસ્થાન, કચ્છી તેમજ રાજસ્થાનની કચ્છી ભરતના કોમ્બીનેશનવાળી ચણિયા ચોળી તથા વર્કવાળી કોટીનો સમાવેશ થાય છે.
ભાડેથી પરંપરાગત વસ્ત્રો આપનાર એક વેપારીએ જણાવ્યું હતું કે,  ગત વર્ષે કોરોના અને બે વર્ષ પૂર્વે ભારે વરસાદના કારણે ચણીયા ચોળીના ધંધાને મોટો માર પડ્યો હતો. વેપારીને એટલી મોટી નુકસાની થઇ છે કે તેની કિંમત આજે પણ ચૂકવી રહ્યા છીએ. લાંબા અંતરાલ બાદ આ વર્ષે વેપારીઓને સારા ઓર્ડરો મળી રહ્યા છે. જો કે આ વર્ષે વસ્ત્રો બનાવવા માટે કાચો માલ ખુબ મોંઘો થવાથી ચણિયા ચોલીના ભાવમાં પણ વધારો થશે. વેપારીઓ રૂપિયા 500થી 30 હજાર સુધીના ભાવની ચણીયા ચોળીના ઓર્ડર લઈ રહ્યા છે. કાપડના દુકાનદારોના કહેવા મુજબ  ગત બે વર્ષ કરતા આ વર્ષે સારી માંગ નીકળશે. આ વખતે ચણીયા ચોલીમાં કચ્છી અને રાજસ્થાની વર્કનું મિશ્રણ જોવા મળશે.