Site icon Revoi.in

સુરતમાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓની કાર પર જીપીએસ લગાવાશે

Social Share

સુરતઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓને ફાળવવામાં આવેલી ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાડવાની વિચારણા ચાલી રહી છે. જેના કારણે અધિકારીઓમાં છૂપો રોષ ફેલાયો છે. કોન્ટ્રાક્ટ હેઠળ ભાડેથી ચાલી રહેલી ગાડીઓના બિલો વધુ પડતાં મુકાતા હોવાનું શાસકોના ધ્યાન પર આવ્યું છે. જેથી ખોટા ખર્ચા પર રોક લગાડવા શાસકોએ કવાયત હાથ ધરી છે. જો કે જીપીએસ સિસ્ટમથી લોકેશન જાણી શકાય છે તેમજ કોન્ટ્રાક્ટની ગાડીઓ ક્યાં અને કેટલી ફરી તેના કિમી ચેક થઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના મ્યુનિ.કોર્પોરેશનના મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસકપક્ષના નેતા અને વિપક્ષી નેતાને ફાળવવામાં આવેલી લકઝરી કાર મ્યુનિની માલિકીની છે. જ્યારે વિવિધ પેટા કમિટીના પદાધિકારીઓ અને અધિકારીઓ મળી 200થી વધુ કાર ભાડાથી કોન્ટ્રાક્ટ હેઠળ ફાળવામાં આવી છે. શાસકોના ધ્યાન બે કિસ્સા સામે આવ્યા છે કે, કારના રજૂ કરાતા બિલો વધારે મુકાય છે. કોઇ કારનું 32 હજાર તો કોઇ કારનું 42 હજાર જેટલું બિલ રજૂ થાય છે. જેથી વાસ્તવમાં કાર એટલા કિલોમીટર ચાલી છે કે કેમ? તે જાણી શકાતું નથી. જે બિલો રજૂ થાય તેને જ સાચા માનીને અત્યાર સુધી બિલો મંજૂર થતા હતાં. જેથી જીપીએસ સિસ્ટમ લગાડવાનું શાસકો વિચારી રહ્યા છે.

જીપીએસ સિસ્ટમથી ક્યાં કેટલા ફેરા સાથે લોકેશન મળી શકશે. હાલ બિલોમાં જે કિલોમીટર દર્શાવવામાં આવે છે તે સાચા છે કે ખોટા તેનો ખ્યાલ મેળવી શકાતો નથી. જો કે કોન્ટ્રાક્ટ હેઠળની કારોમાં જીપીએસ સિસ્ટમ લગાવતાં કાર ક્યાં-ક્યાં અને કેટલી ફરી છે અને તેના કિમી પણ જાણી શકાશે. જેથી અધિકારીઓ દ્વારા મુકવામાં આવતાં બિલનું ક્રોસ ચેકિંગ પણ કરી શકાય છે.