સુરતમાં ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણને છોડી 6000 બાળકોએ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યો
સુરતઃ ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ઊંચી ફી વધતી જતી મોંઘવારીમાં હવે મધ્યમ વર્ગના વાલીઓને પોસાતી નથી. બીજીબાજુ સરકારી અને મ્યુનિ. શાળાઓમાં પણ સારૂ શિક્ષણ અપાતું હોવાથી વાલીઓ વાકેફ થઈ રહ્યા છે. તેના લીધે હવે મધ્યમ વર્ગના વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળાઓનું મોંઘું શિક્ષણ છોડીને સરકારી કે મ્યુનિ. શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. સુરત શહેરમાં 6000થી વધુ બાળકોએ ખાનગી શાળા છોડીને મ્યુનિ.ની શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણનું સ્તર ખાનગી શાળાઓ કરતા વધુ બહેતર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ, સુરત કોર્પોરેશનની ગ્રાન્ટ અને સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટ થકી વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધાઓ આપવાના હેતુ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા એકમાત્ર એવી નગરપાલિકા છે કે, જેમાં સાતથી વધુ ભાષામાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ બાળકો આવે તેના માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, સામાન્ય રીતે સરકારી સ્કૂલોની છબી સારી હોતી નથી, તેથી વાલીઓ પોતાના બાળકના શૈક્ષણિક ભવિષ્ય માટે વધુ ફી ભરીને પણ ખાનગી સ્કૂલોમાં મોકલતા હોય છે. પરંતુ હવે ધીરે ધીરે સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે અને તેને કારણે વાલીઓની માનસિક્તા પણ બદલાય રહી છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા છે. બાળકોને કુમકુમ પગલે અનોખી રીતે સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્કૂલ પ્રવેશ દરમિયાન ઉત્સવનો માહોલ મોટાભાગની સ્કૂલોમાં જોવા મળ્યો હતો.
સુરત નગર પ્રાથમિક સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ ગતવર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ આ વખતે 20 હાજરના લક્ષ્યાંક સુધી પહોંચવાનું પાલિકાએ નક્કી કર્યું હતું. જોકે, લક્ષ્ય કર્તા પણ વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાલવાટિકામાં 11,553, ધોરણ 1માં 8387 અને ખાનગી સ્કૂલોમાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 6,205 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી રેકોર્ડ બનાવી દીધો છે. હજી પણ આ આંકમાં વધારો થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. સરકારી સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તામાં થતો વધારો અને બીજી તરફ ખાનગી સ્કૂલોમાં મોંઘુ થતું શિક્ષણ હોવાને કારણે વાલીઓની માનસિકતામાં પણ ફેરફાર આવ્યો છે. કેટલીક એવી સ્કૂલો છે કે જ્યાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે ખાનગી સ્કૂલની જેમ એડમિશન પ્રક્રિયામાં પહેલાથી જ સક્રિય થઈ જાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇંગ્લીશ મિડિયમની સ્કૂલ હોય કે ગુજરાતી માધ્યમની સ્કૂલ હોય તમામમાં હવે હાઉસફૂલની સ્થિતિ જોવા મળી રહી છે.