Site icon Revoi.in

સુરતમાં પોલીસને જોઈ બે શખસો બેગ અને બાઈક મુકી ભાગ્યા, બેગમાંથી એક કરોડનું ડ્રગ્સ મળ્યું

Social Share

સુરતઃ ગુજરાતમાં પોલીસની ધોંસ છતાંયે ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. દરમિયાન સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસ બાતમીને આધારે દરોડો પાડવા જઈ રહી હતી. ત્યાં જ બે યુવાનો પોલીસને જોઈને બેગ અને બાઈક અને સ્કુટર મુકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બેગની તલાસી લેતા એક કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે બાઈક-સ્કુટર અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં પોલીસે દરોડા જઈ રહી હતી ત્યારે બે શખસો MD ડ્રગ્સ સાથે અન્ય માલસામાન મૂકીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આરોપી ભાગતા હોવાના CCTV પણ સામે આવ્યા છે. ભાગેલા બે આરોપીને પકડવા માટે પોલીસે પીછો કર્યો હતો પરંતુ કાળો કારોબાર કરનારાઓને ભાગવામાં સફળતા મળી હતી. જોકે હાલ તો પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત SOG-PCB પોલીસની ટીમે લાલગેટ વિસ્તારમાંથી હાઈ પ્યોરિટી 1 કિલો જેટલું 1 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સુરત SOG-PCB પોલીસની ટીમને બાતમી મળી હતી કે, આરોપી મોહંમદ કાસીફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ અને શેહબાઝ ઈર્શાદ હુસેન ખાન નામના બે શખસ વચ્ચે લાલગેટ વિસ્તારમાં મોટી ડ્રગ્સની ડીલ થનાર છે. જેને લઈને પોલીસ દ્વારા લાલગેટ લાલમિયાં મસ્જિદની સામે મદરેસા ઇસ્લામિયા સૂફીબાગ શાખાની આસપાસ વોચ ગોઠવી હતી અને બંને શખસ વચ્ચે ડ્રગ્સની ડીલ થતી હતી. તે દરમિયાન પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, પરંતુ પોલીસ તેઓને પકડે તે પહેલાં જ બંને શખસ બાઇક અને ડ્રગ્સ ભરેલી બેગ ફેંકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે બેગ ચેક કરતા તેમાંથી 1 કરોડની કિંમતનું 1 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. MD ડ્રગ્સનું રો-મટીરિયલ હતું. જેથી FSLની ટીમને ત્યાં તપાસ માટે બોલાવી હતી. FSL સહિત લેબોરેટરી દ્વારા તપાસ કરતા આ પદાર્થ હાઈ પ્યોરિટી MD ડ્રગ હોવાનું સામે આવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં MD ડ્રગ્સનો જથ્થો સુરતમાંથી મળી આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી, ત્યારે પોલીસે ડ્રગ્સ, 3 મોબાઈલ, 2 બાઇક અને સામાજિક સંસ્થાનું આઈ કાર્ડ મળી કુલ 1.30 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. આ મામલે લાલગેટ પોલીસ મથકમાં NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને પકડવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.