• પોલીસે તમામ મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા
• સ્વજનો અને પડોશીઓની પોલીસે શરૂ કરી પૂછપરછ
• છ જણાએ ઝેર ગટગટાવી અને એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોએ સામુહિક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. બે બાળકો સહિત છ વ્યક્તિઓએ ઝેરી દવા ગટગટાવી હતી જ્યારે ઘરના મોભીએ ગળાફાંસો ખાઈને જીવન લીલા સંકેલી હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પરિવારે આર્થિક સંકડામણમાં અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પતિ-પત્ની, માતા-પિતા અને ત્રણ બાળકોએ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. તેમજ આસપાસના રહીશો અને મૃતકોના સ્વજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે ઘરના વડીલે ઘરના સભ્યોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણમાં સામૂહિક આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. આત્મહત્યા કરનાર મનીષભાઈ સોલંકી ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમજ ઉછીના આપેલા નાણા પરત નહીં મળતા સોલંકી પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો.
સમગ્ર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પરિવારના સામુહિક આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે. બીજી તરફ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ વિવિધ અટકળો વહેતી થઈ છે.